મહારાષ્ટ્રમાં શિયાળાની શરુઆતમાં જ ઠંડીનો સપાટોઃ 7 શહેરોમાં કોલ્ડવેવની ચેતવણી

નાસિક , ધુળે, જાલના સહિતના શહેરોમાં ચેતવણી
14 સ્થળે ૧૪ ડિગ્રીથી નીચું તાપમાન ઃ જેઉરમાં પારો નવ ડિગ્રીએઃ નાગરિકો માટે ગાઈડલાઈન જારી
મુંબઇ - મહારાષ્ટ્રમાં હજી શિયાળાના આગમનના દિવસો શરૃ થયા છે. હજી નવેમ્બરના શરૃઆતના દિવસો હોવા છતાં મહારાષ્ટ્રના મોટાભાગમાં કડકડતી ઠંડી શરુ થઈ ગઈ છે.
હવામાન વિભાગે આવતા ચાર દિવસ(૧૫થી ૧૮, ઓક્ટોબર) દરમિયાન મહારાષ્ટ્રનાં સાત સ્થળોએ કોલ્ડ વેવ(ઠંડીનું મોજું) નો ચેતવણી સૂચક વરતારો આપ્યો છે.
આજે મહારાષ્ટ્રનાં ૧૪ સ્થળોએ ઠંડીનોપારો ૯.૦ થી ૧૪.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો અત્યંત ટાઢબોળ નોંધાયો હોવાના સમાચાર મળે છે. આજે જેઉર(જિ ઃ સોલાપુર) નગર ૯.૦ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ નોંધાયું છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં ડાયરેક્ટર શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે આવતા ચાર દિવસ(૧૫ થી ૧૮, ઓક્ટોબર) દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં જળગાંવ, નાશિક, ધુળે, નંદુરબાર અને મરાઠવાડાનાં છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ એમ કુલ સાત શહેરમાં ઠંડીનું મોજું ફરી વળે તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. આ સાતેય શહેરનાં નાગરિકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
હાલ મુંબઇ સહિત મહારાષ્ટ્ર પર ઉત્તર -પૂર્વ(ઇશાન) દિશાના પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે. વળી, ઉત્તર -- પૂર્વના પવનોમાં ઉત્તર દિશાના ઠંડા પવનોની અસર વધુ અનુભવાય છે. ઉત્તરના પવનો હિમાલયમાંથી આવતા હોવાથી તેની ઠંડીની તીવ્રતા ઘણી વધુ હોય છે. ઉપરાંત, હિમાલયમાંથી ફૂંકાતા પવનો સૂકા પ્રદેશો ઉપર થઇને છેક મહારાષ્ટ્ર સુધી આવી રહ્યા છે.
આવાં તમામ બદલાઇ રહેલાં કુદરતી પરિબળોની તીવ્ર અસરથી મહારાષ્ટ્રમાં નવેમ્બરના શરૃઆતના દિવસોમાં જ કડડકતો શિયાળો શરૃ થયો છે.
આજે મહારાષ્ટ્રનાં ૧૪ સ્થળોએ ઠંડીનો પારો ૯.૦ થી ૧૪.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઠંડોગાર નોંધાયો હોવાના સમાચાર મળે છે. આજે જેઉરમાં ૯.૦ ડિગ્રી, જળગાંવ-૯.૫, નાશિક-૧૦.૯, બીડ -૧૧.૦, મોહોલ-૧૧.૦, માલેગાંવ-૧૧.૨, ઉદગીર-૧૧.૨, અહમદનગર-૧૧.૪, પરભણી-૧૨.૫, ઔરંગાબાદ-૧૩.૧, ઉસ્માનાબાદ-૧૪.૦, મહાબળેશ્વર-૧૪.૪,સાતારા-૧૪.૪, તુળગા-૧૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હોવાના સમાચાર મળે છે.

