અસહ્ય ગરમી સામે ઉપાય
વન્ય પ્રાણીઓમાં ભારે ગરમીથી ડિહાઈડ્રેશનના લક્ષણો ઉપર પણ નજર
મુંબઈ - ઉનાળાની બળબળતી ગરમીમાં બોરીવલી સંજય ગાંધી નેશનલ પાર્કના સિંહ, વાઘ, દીપડા અને બીજા પ્રાણીઓને ઠંડક મળે એટલા માટે પાર્કના સત્તાવાળા તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાણીઓના એન્ક્લોઝરમાં સ્પ્રિન્સકલર્સથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે. એર કૂલર્સ પણ ગોઠવાયા છે. ઉપરાંત પ્રાણીઓને છાયો મળે એ માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાળીને લીધે પણ પ્રાણીઓને ઠંડક મળે છે.
નેશનલ પાર્કના પ્રાણીના ડોક્ટરો ચોવીસે કલાક પ્રાણીઓ ઉપર નજર રાખે છે. અસહ્ય ગરમીને લીધે પ્રાણીને વસમુ લાગે અથવા ખાવાનું છોડી દે ત્યારે તરત જ દવા આપવામાં આવે છે. કોઈ પ્રાણીના શરીરમાં પાણી ઓછું થઈ જાય અને ડિહાઈડ્રેશનના લક્ષણ દેખાય કે તરત જ પ્રાણી રીહાઈડ્રેટ કરવા માટેના ઉપાય અજમાવવામાં આવે છે.
દરેક એન્ક્લોઝરમાં સીસીટીવી કેમેરા ગોઠવાયેલા છે. જેથી પ્રાણીઓની હિલચાલ પર નજર રાખી શકાય. દિવસ સીધો જ સૂર્યપ્રકાશ જ આવે માટે ગ્રીન શેડ અને નેટ લગાડવામાં આવી છે. પ્રાણીની તબિયત બગડે કે તરત જ પાર્કની અંદરની એનિમલ હોસ્પિટલમાં તેનો ઈલાજ કરવામાં આવે છે.
નેશનલ પાર્કમાં અત્યારે બંદિવાન દશામાં ૨૩ દીપડા છે. જેમાંથી ૧૫ નર અને આઠ માદા છે. બે સિંહ બે સિંહણ અને એમનાં ત્રણ બચ્ચા છે. પાર્કના પીંજરામાં ૧૨ વાઘ છે. જેમાં ૭ વાઘણ અને એક વાઘ તથા ૪ બચ્ચાં છે.
નેશનલ પાર્કમાં ટાઈગર અને લાયન સફારીની શરૃઆત ૧૯૯૦માં થઈ હતી. ટુરિસ્ટો અને મુલાકાતીઓ માટે સૌથી વધુ આકર્ષણરૃપ લાયન-ટાઈગર સફારી છે.


