'બેસ્ટ'ના કર્મચારીઓને પગારમાં 1-1 હજારનું પરચુરણ

પ્રવાસીઓ પાસેથી મળતા છૂટા પૈસાનો નિકાલ કરવાનો નુસ્ખો
પગાર સ્વીકારતી વખતે સિક્કા બરાબર ગણી લેવાની તાકીદઃ બેસ્ટ ના મનસ્વી ફતવા સામે કર્મચારીઓમાં રોષ
મુંબઇ - બેસ્ટ (બૃહદ મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) માટે પરચુરણનો નિકાલ કેમ કરવો એવો પ્રશ્ન ઉભો થતા કર્મચારીઓને તેમના જૂન મહિનાના પગારમાં એક-એક હજાર ચિલ્લર સ્વરૃપમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પગારની ૨૦ હજારની રકમમાંથી એક હજાર છૂટા પૈસામાં ચૂકવવામાં આવશે.
બેસ્ટની ટિકિટના દરમાં થોડા મહિના પહેલાં જ વધારો થયા પછી એક, બે અને પાંચ રૃપિયાના સિક્કા મોટા પ્રમાણમાં જમા થવા માંડયા છે. એટલે આ સિક્કાનો નિકાલ કરવા માટે ૨૦ હજારથી વધુ પગારવાળાને અમુક રકમ પરચુરણમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
છેલ્લાં પાંચ- છ વર્ષથી પરચુરણની સમસ્યા વધતી જાય છે. બસની ટિકિટના વેચાણમાંથી તેમ જ વીજળીના બિલમાં પણ સિક્કા આવતા જાય છે. એટલે જ પગાર પહેલાં બેસ્ટ દ્વારા પરિપત્રક બહાર પાડીને દરેક વિભાગને જાણ કરવામાં આવી છે કે પગારની રકમ પૈકી ૧૯ હજાર નાના મૂલ્યની નોટમાં અને એક હજાર પરચુરણ સ્વરૃપે આપવામાં આવશે.
કર્મચારીઓને તાકીદ કરવામાં આવી છે કે ડેપોના કાઉન્ટરમાંથી પગાર સ્વીકારતી વખતે જ ગણીને બરાબર છે કે નહીં તેની ખાતરી કરી લેવામાં આવે. જો વધઘટ હોય તો એ જ વખતે અધિકારીને જાણ કરવામાં આવે. મોડેથી ફરિયાદ કરવામાં આવશે તો તે ગ્રાહ્ય ધરવામાં નહી આવે. જોકે, આ નિર્ણય સામ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ બેસ્ટ ધારે તો આ છૂટા પૈસા બેન્કમાં જંમા કરાવી શકે છે. તેને બદલે કર્મચારીઓને છૂટા પૈસા સોંપી દેવામાં આવે તે યોગ્ય નથી.









