નવરાત્રિ શરુ થવાની સાથે જ નાળિયેરના ભાવ વધવા માંડયા
પુષ્કળ ડિમાન્ડ સામે આવક મર્યાદિત જ રહેતાં ભાવ વધ્યા
ગયાં સપ્તાહે ૭૧૧૪ ક્વિન્ટલની આવક સામે આ સપ્તાહે માત્ર ૧૫૯૧ ક્વિન્ટલ જ આવક થઈ
મુંબઇ - પિતૃપક્ષ પૂરો થયા પછી નવરાત્રિનો આરંભ થતાની સાથે જ માર્કેટમાં ઉભી થયેલી નાળિયેરની જબરી માંગની સામે આવકમાં ઘટાડો થવાથી શ્રીફળના ભાવ ઉંચે ચડવા માંડયા છે. રિટેલમાં નાના નાળિયેર ૩૫ થી ૪૦ અને મોટા નાળિયેર ૫૦ થી ૫૫ રૃપિયે વેંચાવા માંડયા છે. હજી ભાવ વધવાની શક્યતા છે.
પૂજનવિધિ, હોમ-હવનમાં મોટા પાયે નાળિયેરનો વપરાશ થાય છે. પરિણામે નવરાત્રિમાં નાળિયેરની ડિમાન્ડ દર વખતે વધી જાય છે.
નવી મુંબઇ એપીએમીમા નાળિયેરનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ૩ હજાર થી ૬,૩૦૦ રૃપિયા છે. વરસાદને કારણે આવકમાં ચાલતી વધ-ઘટને કિંમત ઉંચે જાય છે. ગઇ ૧૬મી સપ્ટેમ્બરે માર્કેટમાં ૭,૧૧૪ ક્વિન્ટલ નાળિયેરની આવક થઇ હતી. જ્યારે પહેલા નોરતે ૨૨મી સપ્ટેમ્બરે માત્ર ૧,૫૯૧ ક્વિન્ટલ નાળિયરની આવક થઇ હતી.
એપીએમસીની હોલસેલ માર્કેટમાંથી નાળિયેર રિટેલ માર્કેટમાં જાય ત્યારે કમિશન અને ટ્રાન્સપોર્ટ ખર્ચમાં આવે છે.
ગયા વર્ષની સરખામણીએ આ વખતે રિટેલમાં નાળિયેરની કિંમતમાં બમણો વધારો થયો છે. પરંતુ ધાર્મિક કાર્યો માટે નાળિયેરનો વપરાશ અનિવાર્ય હોવાથી લોકો ખરીદવાના જ છે એ સમજીને વેપારીઓ વધુ નફો ચડાવીને નાળિયેર વેંચી લોકોની શ્રદ્ધા અને ભક્તિનો લાભ લઇ વધુ પૈસા ખંખેરી લેવામાં પાછા પડતા નથી.