ચોકલેટ અને બિસ્કિટ બોક્સમાં છૂપાવીને લવાયેલું ૬૩ કરોડનું કોકેન જપ્ત
મુંબઈ એરપોર્ટ પર દોહાથી આવેલી મહિલાની ધરપકડ
બિસ્કિટના છ તથા ચોકલેટનાં નવ બોક્સમાંથી ૬૨૬૧ ગ્રામ કોકેન ધરાવતી ૩૦૦ કેપ્સ્યુલ સંતાડવામાં આવી હતી
મુંબઇ, તા.૧૫
ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભારતીય મહિલા પાસેથી ૬૨.૬ કરોડ રૃપિયાનું મૂલ્ય ધરાવતું કોકેન જપ્ત કર્યું હતું. આ કોકેન ચોકલેટ તથા બિસ્કિટનાં બોક્સમાં છૂપાવાયેલું હતું.
ડીઆરઆઇને આ મહિલાની હિલચાલ અંગે અગાઉથી બાતમમી મળી હતી. તેના આધારે સોમવારે કતારથી આવેલી ફલાઈટમાં આવેલી મહિલાને અટકાવાયી હતી. તેના સામાનની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી જેના છ ઓરિયો બિસ્કિટના બોક્સ અને ત્રણ ચોકલેટના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સ ખોલતા તેમા સફેદ પાવડરથી ભરેલી કેપ્સ્યુલ મળી આવી હતી.
ડીઆરઆઇના સૂત્રોનુસાર ઉક્ત સામાનમાંથી કુલ ૩૦૦ કેપ્સ્યુલ મળી આવી હતી. ફિલ્ડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને તમામ કેપ્સ્યુલનું વ્યક્તિગત રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં આ કેપ્સ્યુલમાં કોકેન હોવાનું સ્પષ્ટ થયું હતું. મહિલા પાસેથી કુલ મળી ૬૨૬૧ ગ્રામ કોકેન મળી આવ્યું હતું જેની અંદાજિત કિંમત ૬૨.૬ કરોડ રૃપિયા છે. આ સંદર્ભે ડીઆરઆઇએ મહિલાની ધરપકડકરી હતી. આ સમગ્ર ઘટના બાબતે ડીઆરઆઇએ ઉંડી તપાસ આદરી છે. મહિલા સામે એનડીપીએસ એકટની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પહેલા ૨૨ જૂનના રોજ ડીઆરઆઇ- મુંબઇએ સિએરાલિયોનથી મુંબઇ આવેલા એક પુરુષ મુસાફર પાસેથી ૧૧.૩૯ કરોડની કિંમતનું ૧૧૩૯ ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું.