Mumbai

ફાઈટર પ્લેનને દુશ્મનનાં રડારથી છૂપાવે તેવુ કોટિંગ વિકસાવાયું

By GS TEAM
17 Dec 20251 min read
ફાઈટર પ્લેનને દુશ્મનનાં રડારથી છૂપાવે તેવુ કોટિંગ વિકસાવાયું

લેબમાં પ્રાથમિક ચકાસણીમાં સફળતા

જળગાંવની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ ડીઆરડીઓમાં વધુ સંશોધન માટે મોકલાશે

મુંબઇ -  ભારતીય ફાઇટર પ્લેન દુશ્મન દેશના રડારમાં દેખાય જ નહીં એવું એક કોટિંગ (કવચ) શોધી કાઢવાની સિદ્ધિ જળગાંવની કવિયિત્રી બહિણાબાઇ ચૌધરી ઉત્તર મહારાષ્ટ્ર વિદ્યાપીઠની યુનિવર્સિટી ઇન્સ્ટીટયૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓના ગુ્રપે મેળવી છે.

'શિલ્ડ ટેક'  નામના વિદ્યાર્થીઓએ સ્થાનિક લેબોરેટરીમાં સંશોધન કરી આ ખાસ પ્રકારનું કોટિંગ તૈયાર કર્યું છે. વિમાનની ઉપર આ કોટિંગ લગાડવામાં આવ્યા પછી દુશ્મનના રડારમાં પ્લેન દેખાતું જ નથી.

'શિલ્ડ ટેક'ના ટીમ લીડર દીપાંશુ રહાંગડાલે જણાવ્યું હતું કે અમારી  ટીમે ચાર મહિના સંશોધન કર્યા પછી આ કોટિંગ તૈયાર કર્યું હતું. ફાઇટર જેટની બાંધણીમાં જે કંપોઝિટ મટીરીયલ વપરાય છે તેની ઉપર આ કોટિંગ લગાડીને પ્રાથમિક ચકાસણી વિદ્યાપીઠની લેબોરેટરીમાં જ કરવામાં આવી હતી. આ ટેસ્ટનું પરિણામ પોઝિટીવ આવ્યું હતું. આ કોટિંગ તૈયાર કરવા માટેની તમામ સામગ્રી ભારતમાં જ ઉપલબ્ધ છે. હવે પછીના તબક્કામાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું કોટિંગ પ્લેન પર લગાડવામાં આવશે અને ડી.આર.ડી.ઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)માં  વધુ ચકાસણી કરવામાં આવશે.

આ કોટિંગના સંશોધનને 'સ્માર્ટ ઇન્ડિયા હેલથોન- ૨૦૨૫'માં અખિલ ભારતીય સ્તરનું દોઢ લાખનું પ્રથમ પારિતોષિક એનાયત થયું છે.