Get The App

મહામુંબઈમાં સીએનજીમાં કિલોએ 2 રુપિયાનો વધારો

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
મહામુંબઈમાં સીએનજીમાં કિલોએ 2 રુપિયાનો વધારો 1 - image

એક પછી એક ચીજોમાં ભાવ વધારો

રિક્ષાચાલક સંગઠનઓએ ફરી  ભાડું  વધારી આપવા  માટે માગણી કરી 

મુંબઈ -  મુંબઈ  અને મહામુંબઈ ક્ષેત્રમાં આજથી સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના દરમાં કિલોએ બે રૃપિયાનો વધારો અમલમાં આવ્યો છે. આમ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને રાયગઢ તેમજ આસપાસના ક્ષેત્રોમાં સીએનજીનો ભાવ ૮૪ રૃપિયા થયો છે. સીએનજીની કિંમત વધતાની સાથે જ ઓટો રિક્ષાવાળાએ ભાડામાં વધારો કરવાની માગણી કરી છે. 

મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) દ્વારા જણાવ્યું હતું કે ખર્ચમાં વધારો તેમજ ઈંધણની કટોકટી જેવાં કારણોસર સીએનજીની કિંમતમાં બે રૃપિયાનો વધારો કરવાની ફરજ પડી છે.

મુંબઈમાં હજારો રિક્ષા અને ટેક્સીઓ સીએનજીથી દોડે છે. સીએનજીની કિંમતમાં વધારો થતાની સાથે જ ઓટો રિક્ષા યુનિયને ભાડામાં વધારાની માગણી કરી છે. રિક્ષા યુનિયને ઓટોના લઘુત્તમ ભાડામાં એક રૃપિયાનો વધારો મંજૂર કરવાની સરકારને અપીલ કરી છે.

રિક્ષાની જેમ ટેક્સીવાળા પણ ભાડા વધારાની માગણી કરે એવી શક્યતા છે. મુંબઈ, થાણે, નવી મુંબઈમાં હજારો રિક્ષા-ટેક્સી તેમ જ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો સીએનજીથી દોડાવવામાં આવે છે. એટલે આ બધાને સીએનજીના ભાવવધારાની અસર થશે.

શેરિંગ રિક્ષાવાળા ધરખમ કમાણી કરે છે

સીએનજીના દરમાં વધારો થતા રિક્ષાવાળાએ તરત ભાડા વધારાની માગણી કરી છે. પરંતુ જે રિક્ષાઓ શેર-એ-રિક્ષામાં દોડાવવામાં આવે છે. તેનાં માલિકો ધીંગી કમાણી કરતા હોય છે. કુર્લા-બોરીવલી, બાંદરા-બીકેસી, અંધેરી-વર્સોવા, ઘાટકોપર-લક્ષ્મીનગર, ઘાટકોપર-અમૃતનગર અને મુલુન્ડ સહિતના ઉપનગરોમાં શેર-એ-રિક્ષાવાળા બેફામ કમાણી કરે છે. કુર્લા-બીકેસીના રિક્ષાવાળા ત્રણને બદલે ચાર (એક ડ્રાઈવર પાસે) પેસેન્જર બેસાડીને આરેય પાસેથી ત્રીસ-ત્રીસ રૃપિયા વસૂલ કરે છે.  આમ એક ટ્રીપના ૧૨૦ રૃપિયા કમાણી કરે છે. હવે જો એ મીટરથી રક્ષા ચલાવે તો કુર્લાથી બીકેસી વચ્ચે માંડ ચાલીસ રૃપિયા ભાડું મળે. આમ જ્યાં જ્યાં શેર-એ-રિક્ષા દોડે છે એ રિક્ષાચાલકો જે કમાણી કરે છે તેમને માટે સીએનજીના દરમાં બે રૃપિયાનો વધારો કાંઈ બહુ ન કહેવાય, એવો પેસેન્જરોનો મત છે.