રિક્ષાભાડામાં વધારો થવાની શક્યતા
ખરીદખર્ચ વધતાં સીએનજીના ભાવ વધ્યાં, પુણે શહેરમાં નવા દર ૯૨.૨૫ રુપિયા
મુંબઇ
- પુણે, પિંપરી-ચિંચવડ તેમજ ચાકણ, તળેગાંવ અને હિંજવડી
વિસ્તારના વાહનચાલકોને હવે સીએનજી માટે વધુ ખર્ચ કરવો પડશે. મહારાષ્ટ્ર નેચરલ ગેસ
લિમિટેડ (એમએનજીએલ) દ્વારા સીએનજીના દરમાં પ્રતિ કિલો ૧.૫૦ રૃપિયાનો વધારો જાહેર
કરવામાં આવ્યો છે. નવા દર મુજબ, હવે સીએનજી ૯૨.૨૫ રૃપિયા
પ્રતિ કિલો મળશે. અગાઉ આ દર ૯૦.૭૫ રૃપિયા પ્રતિ કિલો હતો. નવા દરો ૮ મેની મધરાતથી
અમલમાં આવ્યા છે.
એમએનજીએલના જણાવ્યા મુજબ, નેચરલ ગેસની ખરીદી ખર્ચમાં વધારો
થવાને કારણે આ ભાવવધારો કરવો પડયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં થતા ફેરફારો
તેમજ ડોલર સામે રૃપિયાના અવમૂલ્યનને કારણે કંપનીનો ઇનપુટ ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર સીએનજીના ભાવ પર પડી છે. જોેકે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે
ઘરગથ્થુ પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ના દરોમાં હાલ કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
સીએનજીના વધેલા ભાવની સૌથી વધુ અસર ઓટોરિક્ષા ચાલકો અને મધ્યમવર્ગીય વાહનચાલકો
પર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પુણે શહેરમાં મોટી સંખ્યામાં રિક્ષા, ખાનગી કાર
અને પીએમપીએમએલ બસો સીએનજી પર ચાલે છે. તેથી આગામી સમયમાં રિક્ષાના ભાડામાં પણ વધારો
થઈ શકે છે.
કંપનીએ દાવો કર્યો છે કે ભાવવધારા છતાં સીએનજી હજી પણ પેટ્રોલ અને ડીઝલની
સરખામણીએ સસ્તો વિકલ્પ છે. ફોર વ્હીલરચાલકોને પેટ્રોલની સરખામણીએ અંદાજે ૪૫ ટકા
અને ડીઝલની સરખામણીએ લગભગ ૨૨ ટકા બચત થાય છે. જ્યારે રિક્ષાચાલકોને અંદાજે ૨૪ ટકા
સુધીની બચત થતી હોવાનું એમએનજીએલએ જણાવ્યું છે.


