સીએનજીના ભાવમાં ભડકોઃ રિક્ષા- ટેક્સીવાળાએ ભાડાવધારો માગ્યો
સીએનજી કારવાળાની દશા કફોડીઃ સંગઠનના અભાવે દર વધારા સામે અવાજ પણ ઉઠાવી નથી શકતા
મુંબઈ : સીએનજીના ભાવમાં બુધવારે થયેલા જંગી વધારા પછી મુંબઈમાં ઓટો અને ટેક્સીઓ માટે લઘુત્તમ ભાડું રૃપિયા ત્રણથી વધીને ચાર કરવાની માગણી થઈ રહી છે. અત્યારે સીએનજીનો ભાવ ૮૬ રૃપિયા પ્રતિ કિલો છે.
મુંબઈ રિક્ષામેન યુનિયનના જણાવ્યા મુજબ ખટુઆ કમિટીની ગણતરી પ્રમાણે ઈંધણની કિંમત, મૂડીખર્ચ, વાહનની જાળવણી, વીમો વગેરેને ધ્યાનમાં લઈને અમને લઘુત્તમ ભાડું થોડા દિવસ પહેલાં ત્રણ રૃપિયા વધારી અપાયું હતું. હવે સીએનજીના ભાવમાં છ રૃપિયાનો વધારો થવાથી અમારી ગણતરી બદલાઈ ગઈ છે અને હાલના ફોર્મ્યુલા મુજબ અમને લઘુત્તમ ભાડામાં ચાર રૃપિયાનો વધારો મળવો જોઈએ.
દરમ્યાન પેટ્રોલ- ડિઝલના ભાવ આસમાને જતા લોકો હવે સીએનજી કાર ખરીદવા તરફ વળ્યા છે અથવા તો પેટ્રોલ એન્જિનને સીએનજીમાં કન્વર્ટ કરાવવા માંડયા છે. પરંતુ હવે સીએનજીના ભાવ જ ૮૬ રૃપિયા પર પહોંચતા સીનજી કારના માલિકોએ વધુ બોજો ઉઠાવવાની નોબત આવી છે. રિક્ષા- ટેક્સીવાળા પોતપોતાના યુનિયની મારફત ભાડાવધારાની માગણી પણ કરી શકે છે. જ્યારે સીએનજી વાહનોના માલિકો તો સંગઠનના અભાવે અવાજ પણ ઉઠાવી નથી શકતા.