સીએમ શિંદેની હોમ પીચમાં સપાટો : 67માંથી 66 માજી નગરસેવકોના ઉદ્ધવને રામરામ
નગર પાલિકા ચૂંટણી પહેલા જ ઉદ્ધવ જૂથને મોટો ફટકો
મહાપાલિકાની ટર્મ પૂરી થઇ ચૂકી છે અને હવે ટુંક સમયમાં યોજાનારી ચૂંટણી પૂર્વે શિવસેના સંગઠનમાં ગાબડાં શરૃ
મુંબઇ : શિવસેનામાં બળવો કર્યા બાદ ભાજપના સાથે યુતિ કરીને મુખ્ય પ્રધાન પદ સંભાળનારી એકનાથ શિંદેએ પોતાના ગઢ થાણેમાં શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો આપ્યો છે. થાણે મહાનગર પાલિકાના ૬૬ નગરસેવકો એકનાથ શિંદે ગુ્રપમાં જોડાયા છે. બુધવાર રાતે આ નગરસેવકોએ એકનાથ શિંદેની મુલાકાત લીધી હતી. અને શિવસેના છોડીને એકનાથ શિંદેની શિવસેનાને સમર્થન આપ્યું હતું.
નવનિર્વાચિત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે થાણે જિલ્લો હોમપીચ સમાન છે. શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેના નિધનબાદ એકનાથ શિંદેએ થાણે જિલ્લા પર વર્ચસ્વ જમાવ્યું છે. થાણે મહાનગર પાલિકામાં ગત દસકાથી શિવસેનાની સત્તા છે. હવે આગામી મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા જ થાણેના ૬૬ નગરસેવકો ધારણા અનુસાર એકનાથ શિંદેને સમર્થન આપતાં શિવસેના સામે અડચણ વધી છે. શિવસેનાના થાણે જિલ્લા પ્રમુખે પણ એકનાથ શિંદેના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે.
થાણે મહાપાલિકામાં શિવસેનાના ૬૭ નગરસેવક છે. એન.સી.પી.ના ૩૪, ભાજપના ૨૩ અને કોંગ્રેસ પાસે ૩ અને એમઆઇએમના બે નગરસેવક છે.થાણે મહાપાલિકાનો કાર્યકાળ (ટર્મ) પૂરી થઇ છે. અને પ્રશાસકની નિયુક્તિ કરાઇ છે. આગામી થોડાક મહિનામાં થાણે મહાપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.