હવે મેઘસવારી ધીમી પડશે મુંબઈ ઉપરાંત પૂરગ્રસ્ત મરાઠવાડાને રાહત

વિદર્ભનું લો પ્રેશર સરકીને ખંભાતના અખાતમાં પહોંચ્યુું
આવતા ચાર દિવસ હળવી વર્ષાની જ સંભાવનાઃ ખેલૈયા છેલ્લે છેલ્લે નચિંત થઈને નોરતાં માણી શકશે
મુંબઇ - મુંબઇગરાં સહિત મહારાષ્ટ્ર આખા માટે રાહતના સમાચાર છે. રાહતના સમાચાર એ છે કે ૨૭,૨૮ સપ્ટેમ્બરે મુંબઇ સહિત નજીકનાં થાણે, પાલઘર વગેરેને પ્રચંડ થપાટ માર્યા બાદ હવે વરસાદી જોર ઘણા અંશે મંદ થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
મુંબઇમાં આજે સોમવારે, ૨૯, સપ્ટેમ્બરે સવારથી જ વરસાદી માહોલ ઘણો શાંત થયો હતો. જોકે આકાશ દિવસભર વાદળિયું રહ્યું હતું.
હવામાન વિભાગે એવો સાનુકુળ વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૩૦,સપ્ટેમ્બરથી૩, ઓક્ટોબર) દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને મરાઠવાડામાં, વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતા છે. સાથોસાથ મેઘગર્જના, વીજળીના ચમકારા, પવનની તીવ્રતા વગેરે કુદરતી પરિબળો પણ મંદ થશે.
વરસાદની તીવ્રતા ઓછી થશે એટલે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોનાં નાગરિકોને મોટો હાશકારો થશે. સાથોસાથ કિસાનોને પણ રાહત રહેશે. છેલ્લા એકાદ સપ્તાહથી મધ્ય મહારાષ્ટ્રમાં અને મરાઠવાડામાં મેઘગર્જના, વીજળીના કડાકા, તોફાની પવન સાથે ગાંડોતૂર વરસાદ વરસ્યો હોવાથી જનજીવન તો વેરણછેરણ થઇ ગયું છે. સાથોસાથ ખેતીના પાકને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળે છે.
કોંકણની સમુદ્રીપટ્ટી પરનાં તમામ સ્થળો (થાણે, પાલઘણ, રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, જળગાંવ, ધુળે,પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી), મરાઠવાડા(જાલના,પરભણી, લાતુર, નાંદેડ, છત્રપતિ સંભાજીનગર,ધારાશિવ)માં વરસાદી મહોલ ઘણો મંદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની નીતાએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણ(લો -પ્રેશર) બાદ તેનું વધુ તીવ્ર સ્વરૃપ ડિપ્રેશન બનીને તે મહારાષ્ટ્રના વિદર્ભ પર રહ્યું હતું. આ જ ડિપ્રેશનની અને હવાના હળવા દબાણના પટ્ટા(ટ્રફ) તીવ્ર અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં અનરાધાર વર્ષા થઇ હતી.
હવે જોકે વિદર્ભનું તે ડિપ્રેશન પશ્ચિમ દિશામાં વધુ સરકીને ગુજરાતના ખંભાતના અખાતમાં પહોંચ્યંદ છે. આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની અસરથી વરસાદ અને ગાજવીજની તીવ્રતા ઘણી મંદ થઇ ગઇ છે. પરિણામે આવતા ચારેક દિવસ દરમિયાન મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં મેઘરાજાની મહેર મંદ રહેવાની શક્યતા છે. જોકે ક્યારેક હળવી વર્ષા થવાની સંભાવના ખરી.








