દવાની શોપના લાયસન્સ માટે લાંચ લીધી
મંત્રાલયમાં ૧૦ હજારથી વધુની રોકડ રાખવા પર પ્રતિબંધ પણ કલાર્ક પાસે ૪૨ હજાર મળ્યા
મુંબઇ - મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના એક કલાર્કની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા મંત્રાલયમાં ૩૫ હજાર રૃપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસમાં તેણે તેની ઓફિસમાં ૪૨ હજાર રૃપિયા પણ રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે રાજ્ય સચિવાલયમાં પ્રવેશતા વ્યક્તિઓ માટે ૧૦ હજાર રૃપિયાની મર્યાદા કરતા ઘણા વધારે છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અપીલના કેસ સંભાળવા માટે એફડીએ મંત્રી નરહરિ ઝીરવળની ઓફિસમાં તૈનાત રાજુ સંપત ઢેરીંગે (૪૦)ને ગુરુવારે મંત્રાલયના બીજા માળે છટકું ગોઠવીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઢેરીંગેને એન્ટોપ હિલમાં આવેલ એક મેડિકલ સ્ટોર ધરાવતી વ્યક્તિ પાસેથી ૩૫ હજાર રૃપિયાની લાંચ સ્વીકારતી વખતે પકડી પાડવામાં આવ્યો હતો. આ વ્યક્તિનું મેડિકલ લાયસન્સ એફડીએના સંયુક્ત કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.
આ બાબતે એફડીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઢેરીંગેએ ૫૦ હજાર રૃપિયા માંગ્યા હતા. પરંતુ વાટાઘાટો બાદ ૩૫ હજાર રૃપિયામાં સમાધાન થયું હતું. આ વાતની જાણ ફરિયાદીએ એસીબીને કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને મંત્રાલયના બીજા માળેથી લાંચ સ્વીકારતા તેને રંગેહાથો પકડી પાડવામાં આવ્યો હતો. ઢેરીંગની ઓફિસની તપાસ દરમિયાન વધુ ૪૨ હજારની રોકડ પણ મળી આવી હતી. ધોરણો મુજબ કોઇપણ વ્યક્તિ મંત્રાલય સંકુલમાં ૧૦ હજાર રૃપિયાથી વધુની રકમ લઇ જઇ શકતો નથી. તેથી ઢેરીંગેએ આ રકમ કેવી રીતે રાખી તે શોધવા માટે વિગતવાર તપાસ શરૃ કરી છે. તપાસમાં તમામ પાસાઓ આવરી લેવામાં આવશે. જેમાં આ વધારાની રકમ કોઇ લાંચની માંગણી કરીને મેળવવામાં આવી હતી કે તેનું તપાસ કરાશે ધરપકડ કરાયેલા કલાર્ક ઢેરીંગને ૧૬ ફેબુ્રઆરી સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી.


