આજે બપોરે 3 સુધીમાં રસ્તાઓ ખાલી કરોઃ મરાઠા આંદોલનકારીઓને હાઈકોર્ટનો આદેશ
હાઈકોર્ટ આંદોલનકારીઓ પર વરસી ઃ આખું શહેર બાનમાં લીધું છે, આંદોલન જરાય શાંતિપૂર્ણ રહ્યું નથી, પરવાનગીની તમામ શરતોનો ભંગ કરાયો છે
સરકારે માત્ર ૨૯ ઓગસ્ટની પરવાનગી આપ્યાનો દાવો ઃ જજોની કાર બ્લોક કરવાનો પ્રયાસ કર્યાની ગંભીર નોંધ લીધી ઃ હવે એક પણ નવો આંદોલનકારી શહેરમાં પ્રવેશે નહિ તે સુનિશ્ચિત કરવા સરકારને પણ આદેશ
સમગ્ર શહેર સ્થગિત થઈ ગયું, સીએસટી, મરીનડ્રાઈવ, ચર્ચગેટ, હાઈકોર્ટ બિલ્ડિંગને પણ આંદોલનકારીઓએ છોડયાં નથી, આંદોલનકારીઓ રસ્તામાં જમી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે, કુદરતી હાજતે જઈ રહ્યા છેઃ કોર્ટે ખુદ સ્થિતિની ગંભીરતા વર્ણવી
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે મરાઠા આંદોલનકારીઓને આવતીકાલ મંગળવાર બપોરના ૩ વાગ્યા સુધીમાં સાઉથ મુંબઈના તમામ રસ્તા ખાલી કરવા આદેશ આપ્યો છે. અદાલતે સાફ જણાવ્યું છે કે આંદોલનકારીઓએ ફક્ત આઝાદ મેદાન પૂરતું જ સીમિત રહેવાનું છે. છેલ્લા ચાર દિવસથી હજારો મરાઠા આંદોલનકારીઓ શહેરમાં ઉમટી પડયા છે અને તેમણે સીએસટી સ્ટેશન સહિતનાં સાઉથ મુંબઈના તમામ જાહેર સ્થળોએ કબજો જમાવી દેતાં લાખો મુંબઈગરાઓ માટે સર્જાયેલી હાલાકીની ગંભીર નોંધ અદાલતે લીધી હતી. આ મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં અદાલતે ખુદ સ્થિતિ ગંભીર હોવાનું વર્ણવતાં કહ્યું હતું કે મરાઠા આંદોલનને કારણે સમગ્ર શહેર સ્થગિત થઈ ગયું છે. આંદોલન જરા પણ શાંતિપૂર્ણ રહ્યું નથી. ંમંજૂરીની તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. શહેરમાં હવે કોઈ નવા આંદોલનકારીને પ્રવેશ ન મળે તેની તાકીદ લેવા હાઈકોર્ટે સરકારને હુકમ કર્યો છે.
અરજીમાં મરાઠા આંદોલનકારોએ પણ મધ્યસ્થી અરજી કરી છે. મંગળવારે બપોરે આદેશનો અમલ થયો કે નહીં એ જણાવવા માટે ફરી સુનાવણી રાખવામાં આવી છે.હાઈકોર્ટે મુંબઈમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો આગ્રહ કર્યો છે
જરાંગે શુક્રવારથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ પર છે, જેમાં મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતની માંગણી કરવામાં આવી છે. તેમના સમર્થકોએ દાવો કર્યોે હતો કે તેમણે સોમવારથી પાણી પીવાનું બંધ કરી દીધું છે.
ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ગૌતમ અંકડની બેન્ચે ખાસ સુનાવણીમાં જણાવ્યું હતું કે અમે જરાંગે અને તેમના સમર્થકોને તાત્કાલિક પરિસ્થિતિ સુધારવા અને મંગળવાર બપોર સુધીમાં રસ્તાઓ ખાલી કરીને સાફ કરવાની તક આપી રહ્યા છીએ,એમ બેન્ચે કહ્યું હતું.
કોર્ટે કહ્યું કે જરાંગે અને તેમના સમર્થકોએ પ્રથમ દ્રષ્ટિએ શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાથી અને તેમની પાસે વિરાધ ચાલુ રાખવા માટે માન્ય પરવાનગી ન હોવાથી, રાજ્ય સરકાર પાસેથી યોગ્ય પગલાં લઈને કાયદામાં નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવાની અપેક્ષા રાખે છે. સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે જારાંગે દાવો કર્યો છે તેમ, હવેથી કોઈ વિરોધીઓ શહેરમાં પ્રવેશ ન કરે.
મંગળવારે વધુ સુનાવણી માટે કેસ મુલતવી રાખતા બેન્ચે કહ્યું કે જો ત્યાં સુધીમાં જરાંગેની તબિયત વધુ બગડે તો તો સરકારે તેમને તબીબી સહાય પૂરી પાડવાની રહેશે.
એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન માટે પરવાનગી ફક્ત ૨૯ ઓગસ્ટ સુધી જ આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, જારાંગે અને તેમના સમર્થકોએ દરેક શરત અને પ્રતિબદ્ધતાનું ઉલ્લંઘન કર્યું છે.
કોર્ટે જાણવા માંગ્યું કે વિરોધીઓ ફક્ત આઝાદ મેદાનમાં જ કેમ બેસી રહ્યા નથી અને બીજે ક્યાંય ફરી રહ્યા છે?
અમે પરિસ્થિતિ સામાન્ય બને તેમ ઇચ્છીએ છીએ. ે,એમ હાઈકોર્ટે કહ્યું.
બેન્ચે કહ્યું કે તે પણ જરાંગે વિશે ચિંતિત છે, જે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ કરી રહ્યા છે, અને કહ્યું કે દરેક નાગરિકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તે શાંતિપૂર્ણ રીતે અને માન્ય મર્યાદામાં થવો જોઈએ.
હાઈકોર્ટે ૨૬ ઓગસ્ટના રોજ પસાર કરેલા આદેશને પુનરાવતત કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ વિરોધ નિયમોનું કડક પાલન કરીને કરવામાં આવશે.
ગણેશ ઉત્સવ માટે ૨૭ ઓગસ્ટથી હાઇકોર્ટ રજા પર છે અને મંગળવારે ફરી શરૃ થશે.
વિરોધ પ્રદર્શનો બેકાબૂ થઈ રહ્યા છે અને શહેરને સ્થગિત કરી રહ્યું છે તેની ચિંંતા વ્યક્ત કરતી અનેક અરજીઓ દાખલ થયા બાદ બેન્ચે આ મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી. અરજદારોમાં એડવોકેટ ગુણરત્ન સદાવર્તેનો પણ સમાવેશ હતો.