Mumbai

સ્વચ્છ પાણી મૂળભૂત અધિકાર, એ આપીને સરકાર ઉપકાર નથી કરતી ઃ હાઈકોર્ટ

By GS TEAM
23 Jun 20262 mins read
સ્વચ્છ પાણી મૂળભૂત અધિકાર, એ આપીને સરકાર ઉપકાર નથી કરતી ઃ હાઈકોર્ટ

સરકાર ટેન્કરો પૂરાં પાડે છે એવી દલીલ થતાં ઝાટકણી

 મેલઘાટમાં દૂષિત પાણીથી ૧૩નાં મોત બાબતે સુનાવણીઃ  રાજ્યમાં પાણીની અછત બાબતે લેવાયેલાં  પગલાંની માહિતી માગી

મુંબઈ -  રાજ્યમાં  પાણીની અછત અંગે ચિંતા વ્યક્ત કરતા બોમ્બે હાઈકોર્ટે સોમવારે જણાવ્યું હતું કે સ્વચ્છ અને પીવાલાયક પાણી મળી રહેવું  એ મૂળભૂત અધિકાર છે અને સરકાર પાસેથી આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવશે તે જાણવા માંગ્યું હતું.

વિદર્ભ ક્ષેત્રના અમરાવતી જિલ્લાના આદિવાસી મેલઘાટ વિસ્તારમાં કુપોષણને કારણે શિશુઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓના મૃત્યુના મુદ્દા પર ન્યાયાધીશ એ.એસ. ગડકરી અને કમલ ખાતાની બેન્ચ અનેક અરજીઓની સુનાવણી કરી રહી હતી.

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ઉનાળાના વધતા તાપમાન વચ્ચે, સ્વચ્છ અને પીવાલાયક પાણીની અછતને કારણે આ વિસ્તારમાં માઠી અસર જોવા મળી હતી. એપ્રિલમાં છેલ્લી સુનાવણીમાં, કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે દૂષિત પાણી પીવાથી આ વિસ્તારમાં ૧૩ લોકોના મોત થયા હતા.

સરકારે સોમવારે બેન્ચને જાણ કરી હતી કે પીવાના પાણીના ટેન્કરો સમયાંતરે પૂરા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ અરજદારોએ જણાવ્યું હતું કે પુરવઠો અનિયમિત છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે સરકાર પાણીના ટેન્કર પૂરા પાડીને કોઈ  ઉપકાર કરી રહી નથી.

 સ્વચ્છ અને પીવાલાયક પાણીની પહોંચ એ બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકાર છે અને સરકારની ફરજ છે કે તે તેના તમામ નાગરિકોને તે પૂરું પાડે. ફક્ત મેલઘાટ પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય પાણીની અછતનો સામનો કરી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો કે આ મુદ્દો ક્યારે ઉકેલાશે અને તેણે તેના પર કયા પગલાં લીધાં છે તે જણાવે અને આ મામલાની વધુ સુનાવણી મંગળવારે મુલતવી રાખી છે.