મોટેથી ગીતો વગાડવા બાબતે તકરાર
10ની ધરપકડઃ બીએમસીએ આરોપીઓનાં ગેરકાયદે બાંધકામો તોડવાની શરુઆત કરી
મુંબઈ - મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ધામક શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બજરંગ દળના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પોલીસે સોમવારે જણાવ્યું હતું.
ગોરેગાંવના દિંડોશી નજીક સંતોષ નગર વિસ્તારમાં રવિવારે રાત્રે થયેલી હિંસાના સંબંધમાં પોલીસે ૧૦ વ્યક્તિઓની ધરપકડ કરી છે.જ્યારે પાલિકાના અધિકારીઓએ સોમવારે સવારે કેટલાક આરોપીઓના કથિત અનધિકૃત ઘરોને તોડી પાડવાની શરૃઆત કરી હતી.
શોભાયાત્રા દરમિયાન મોટેથી ભક્તિ ગીતો વગાડવાના વિવાદ પછી આ અથડામણ શરૃ થઈ હોવાનું કહેવાય છે.તે સમયે બે જૂથો વચ્ચે મોટા પાયે બોલાચાલી થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અથડામણ વખતે આરોપીઓએ તલવારો અને લોખંડના સળિયા જેવા શોનો ઉપયોગ કર્યો હતો.
અધિકારીએ કહ્યું કે આ અથડામણમાં બજરંગ દળના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમની જોગેશ્વરીમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.એમાં રમખાણો સંબંધિત કલમોનો પણ સમાવેશ થાય છે.
આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક આરોપીઓના માલિકીના ઘરોને તોડી પાડવાની શરૃઆત કરી હતી. તેમણે કહ્યું કે તે અનધિકૃત બાંધકામો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા અગાઉ મળેલી ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.


