આવું દબાણ ન્યાયપ્રક્રિયામાં હસ્તક્ષેપ સમાનઃ કોર્ટ
પોતે કોવર્ટ ઓપરેશનમાં જોડાય તો કેસ રદ કરાવી આપશું તેવી ઓફર થઈ હોવાનો આરોપીનો દાવો
મુંબઈ - આઈએસઆઈએસ સાથે સાઠગાંઠના કેસના આરોપીએ દાવો કર્યો છે કે લશ્કરી અધિકારી હોવાનું જણાવીને બે વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો હતો અને જો તે કોવર્ટ ઓપરેશનમાં જોડાશે તો તેની સામેનો કેસ રદ કરવાની ઓફર કરી હતી. આ દાવા સંદર્ભમાં કોર્ટે એનઆઈએ પાસેથી જવાબ મગાવ્યો છે.
૨૦૧૪માં પકડાયેલા આરીબ માજીદ સામે કેસ ચાલી રહ્યો છે. તેણે કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે પોતે ે કોઈ તરફેણ કે સમજૂતી કરવા માગતો નથી. પણ પોતાનો કેસ ફક્ત અને ફક્ત કાનૂની તથ્યોને આધારે નક્કી કરવામાં આવે.
અરજીની દખલ લઈને કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે આ રીતનું દબાણ અને ઉશ્કેરણીનો પ્રયાસ તથા શંકાસ્પદ રીતે ઓળખ છુપાવીને કરાયેલી ઓફર ન્યાયસભર કાર્યવાહીમાં હસ્તક્ષેપ સમાન છે.
વિશેષ એનઆઈએ કોર્ટના જજે કલ્યાણના બઝાર પેઠ પોલીલ સ્ટેશન અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી( એનઆઈએ)ને નોટિસ મકલાવીને આ બાબતે જવાબ નોંધાવવા જણાવ્યું છે. સુનાવણી ચોથી માર્ચ પર રખાઈ છે.
માજીદને ૨૦૨૧માં હાઈકોર્ટે જામીન આપ્યા હતા. તેની અરજી મુજબ ૨૧ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ આ ઘટના બની હતી.
અરજીમાં જણાવ્યા મુજબ માજીદ કોલેજમાં હતો ત્યારે તેની પત્ની જણાવ્યું હતુ કે અજ્ઞાાત માણસ અને મહિલા તેમના કલ્યાણના ઘરે આવ્યા હતા અને માજીદના પાછા ફરવાની રાહ જોવાનો આગ્રહ રાખ્યો હતો. મહિલા ભારતીય લશ્કરમાંથી હોવાનો દાવો કરીને માજીદને ફોન પર કહ્યું તું કે તેની સાથે કર્નલ રેન્કના નવી દિલ્હીના અધિકારી છે. તેમણે કોવર્ટ ઓપરેશનમાં માજીદની મદદની જરૃર હોવાનું કહીને બદલામાં તેની સામેનો કેસ રદ કરવાનું જણાવ્યું હતું.
માજીદે પોતાના કેસ પર પ્રભાવ પાડવા અથવા વધુ સંડોવવા માટેનો પ્રયાસ હોવાની શકા થતાં તેમને ઘરમાં પ્રવેશ નકાર્યો હતો. તેણે ઈમર્જન્સી હેલ્પલાઈન ડાયલ કરીને એનઆઈએ કન્ટ્રોલ રૃમને એલર્ટ કર્યું હતું. બંનેને બઝાર પેઠ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવાયા હતા.
એનઆઈએના કેસ અનુસાર માજીદ આતંકવાદી જૂથ આઈએસમાં જોડાવા સિરિયા ગયો હતો અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવા પાછો આવ્યો હતો.
રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવા અને અન્ય આરોપો હેઠળ તેની સામે ગેરકાયદે પ્રવૃત્તિ કાયદા હેઠળ નવેમ્બર ૨૦૧૪માં ધરપકડ કરાઈ હતી.


