ભારે વાહનો માટે ઘોડબંદર રોડ બંધ કરવાના અવિચારી નિર્ણયથી બાળકનો જીવ ગયો
ભારે ટ્રાફિકને લીધે કારમાં નીકળેલો કુર્લાનો પરિવાર અટવાયો હતો
ભારે વાહનને મધરાત પછી જ મંજૂરીના નિર્ણયથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સુધરવાને બદલે વણસીઃ ભારે આક્રોશ
મુંબઈ - મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે અને ઘોડબંદર રોડ પર સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવાથી ટ્રાફિક જામમાં ઘટાડો નહીં પણ વધારો થયો છે. આ નિર્ણયની કિંમત ગુરુવારે સાંજે ૧૬ મહિનાના બાળકનો ભોગ લેવાયો હતો. હાઇવે પર ટ્રાફિક જામને કારણે ગુરુવારે સાંજે વાહન ફસાતાં તેમાં રહેલા દર્દી બાળકનું મૃત્યુ થયું હતું.
કુર્લાનો રહેવાસી રાયન શેખ તેના માતા-પિતા સાથે વસઈના પેલ્હાર વિસ્તારમાં તેની દાદી ફાતિમા મંઝિલમાં ગયો હતો. ગુરુવારે રમતી વખતે રાયન ચોથા માળની બાલ્કનીમાંથી પડી ગયો હતો. તેને તાત્કાલિક વસઈની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંના ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે મુંબઈ ખસેડવાની સલાહ આપી હતી. જો કે, નેશનલ હાઇવે પર ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી માતા-પિતા ખાનગી કારમાં રવાના થઈ ગયા હતા. તેમણે બપોરે ૨.૩૦ વાગ્યે પ્રવાસ શરૃ કરી, પરંતુ હાઇવે પર ૨૦-૨૫ કિમી લાંબો ટ્રાફિક જામ હોવાથી કાર કલાકો સુધી અટવાઈ રહી હતી. અંતે, છોકરાની હાલત ગંભીર બનતાં, તેના માતા-પિતાએ તેને સાસુનવઘરની એક નાની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને કારણે બધે રોષ ફેલાયો છે. સ્થાનિક ભૂમિપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ સુશાંત પાટીલે આરોપ લગાવ્યો છે કે હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા અને રસ્તાઓની ખરાબ હાલત આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું કારણ છે.
નોટિફિકેશન પાછું ખેંચવાની માગણી..
છેલ્લા મહિનાથી રસ્તાઓની ખરાબ હાલતને કારણે સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે. રાયન મુંબઈની સીમાએ પહોંચી શક્યો ન હતો. દહિસર ચેક પોઇન્ટ પાર કરતા પહેલા તેનું મૃત્યુ થયું હતું. નિર્દોષ રાયનનું મૃત્યુ વહીવટીતંત્રની બેદરકારીનું પરિણામ છે. એથી આ જાહેરનામું તાત્કાલિક પાછું ખેંચવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.
ટ્રાફિક જામથી ઘણા લોકોને માઠી અસર
દરમિયાન, ભક્તિ વેદાંત હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી દાખલ થયા બાદ રજા આપવામાં આવેલી એક મહિલાને વસઈમાં ફાઉન્ટેન હોટલ પાસે રસ્તાની બાજુમાં તેના પિતાના વાહનની રાહ જોવી પડી હતી. ધમારા પિતા મને બોઈસરથી લેવા આવ્યા હતા અને તેઓ પાંચ કલાક પહેલા જ નીકળ્યા હતા, પરંતુ તેઓ લાંબા સમય સુધી પહોંચ્યા ન હોતા. ૧૮ કલાક માટે ભારે વાહનોને અટકાવાયાં
ગુરુવાર અને શુક્રવારે હજારો મુસાફરો અને ભારે વાહન ચાલકો માટે પરિસ્થિતિ નર્ક જેવી બની ગઈ હતી. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, દરરોજ લગભગ ૨૫,૦૦૦ ભારે વાહનો ઘોડબંદર થઈને થાણે અથવા વિરાર જાય છે. રહેવાસીઓની ફરિયાદો બાદ એકનાથ શિંદેએ ઘોડબંદર અને થાણેના નાગરિકોને રાહત આપવા માટે લીધેલા નિર્ણયને કારણે પોલીસે હજારો વાહનો રસ્તાની બાજુમાં જ રોકી દીધા હતા. પાલઘરથી ગુજરાત આવતા વાહનો માટે ત્રણ સ્ટોપ બનાવવામાં આવ્યા - અછાડ, વસઈમાં ચિંચોટી અને મીરા રોડ પર ફાઉન્ટેન હોટલ. ધઅમને કોઈપણ પૂર્વ સૂચના વિના ૧૮ કલાકથી વધુ સમય માટે રોકી રાખવામાં આવ્યા હતા. કોઈ આરામ વિસ્તાર નથી, પીવાનું પાણી નથી, કોઈ પાકગ કે સવસ રોડ નથી, ડ્રાઇવરોએ ફરિયાદ કરી હતી.
છ કલાકમાં ૨૫ હજાર વાહનો કેમ પસાર થાય
આ દરમિયાન, થાણેના નાગરિકોએ પણ આ પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવ્યો છે. માત્ર છ કલાકમાં (મધ્યરાત્રિ ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી) ૨૫,૦૦૦ વાહનો પસાર કરવાનું શક્ય નથી. પરિણામે, ટ્રાફિક ખોરવાઈ જાય છે. ભારે વાહનો છોડયા પછી, તેઓ લેન શિસ્તનું પાલન કરતા નથી. હાઇવે પરના બધા ત્રણ-ચાર લેન ભરાયેલા હોવાથી, નાના વાહનો માટે કોઈ જગ્યા બચતી નથી, 'જીમ્મીદાર કૌન' એનજીઓના શ્રદ્ધા રાયે જણાવ્યું હતું. બે દિવસ પહેલા, તેમણે નાગલાબંદર અને ઘોડબંદર ખાતે મુસાફરોના વિરોધનું નેતૃત્વ કર્યું હતું.