મુંબઈના બિઝનેસમેન પાસે પાકિસ્તાનથી છોટા શકીલે 80 કરોડની ખંડણી માગી

ઈરાની કંપની સાથેના બિઝનેસ વિવાદમાં ધમકી
ખડણીનની રકમ નહિ અપાય તો બાબા સિદ્દિકી જેવા હાલ કરવાની પેટ્રોલિયમ આયાતકારને ધમકી
મુંબઇ - મુંબઇના નેપિયનસી રોડ પર રહેતા બિઝનેસમેનના ઇરાનમાં વેપાર સંબંધિત વિવાદને લીધે પાકિસ્તાનથી છોટા શકીલ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી મળી હતી. બિઝનેસમેન પાસે રૃા.૮૦ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. મુંબઇ પોલીસ અને ખંડણી વિરોધી શાખા આ આંતરરાષ્ટ્રીય ખંડણી રેકેટની તપાસ કરી રહ્યા છે.
દક્ષિણ મુંબઇના નેપિયનસી રોડ પર રહેતા ૫૧ વર્ષીય ઉદ્યોગપતિએ ઇરાની કંપની સાથેના વિવાદને લીધે ધમકી મળી હતી. કેમિકલ ને પેટ્રોકેમિકલ્સનો વેપાર કરતા આ બિઝનેસમેને મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીની દક્ષિણ મુંબઇમાં ફોર્ટ અને દુબઇમાં ઓફિસો છે. ઉદ્યોગપતિએ આરોપ લગાવ્યો છે કે તેમને પાકિસ્તાનથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. જે કથિત રીતે છોટા શકીલની ઓફિસમાંથી કરવામાં આવ્યા હતા. શરૃઆતમાં ફોન કરનારે રૃા.બે કરોડની ખંડણીની રકમ માંગી હતી. બાદમાં ઇરાની કંપની સાથે મામલો થાળે પાડવા માટે રૃા.આઠ કરોડની માંગણી કરવામાં આવી હતી.
ફોન કરનારે ચેતવણી આપી કે જો તે ખંડણીની રકમ નહીં ચૂકવે તો બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે.
ફરિયાદ મુજબ ૫૧ વર્ષીય બિઝનેસમેને ૨૦૧૫માં ઇરાનથી તેલ આયાત કર્યું હતું. બિઝનેસમેને આરોપ લગાવ્યો હતો કે તેમણે ઇરાની સપ્લાયરની વિનંતી પર દુબઇમાં પૈસાની ચૂકવણી કરી હતી.
બાદમાં ઇરાની કંપનીએ દાવો કર્યો હતો કે તેમને અમૂક માલ માટે પૈસા મળ્યા નથી. આથી ઇરાનમાં કાર્યવાહી શરૃ કરી હતી. બિઝનેસમેન ઇરાનમાં આરબીટેશન માટે હાજર થયા નહતા. જેના પરિણામે ઇરાની કંપનીની તરફેણમાં એક પક્ષીય ચુકાદો આપવામાં આવ્યો હતો.
બાદમાં ઇરાની કંપનીએ મુંબઇમાં તેમની મિલકત જપ્ત કરવા માટે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે કંપનીની અરજીને ફગાવી દીધી હતી. જોકે સિવિદ દાવો હજુ પણ અતિમ સુનાવણી માટે બાકી છે.









