બિલ્ડરને ધમકીના કેસમાં છોટા રાજન નિર્દોષ ઠર્યોઃ સીબીઆઈને ફટકો
- સીબીઆઈ ધમકીનો કેસ પણ પુરવાર ન કરી શકી
- સીબીઆઈના સાક્ષીને ખાતરીથી ન કહી શક્યા કે રાજને જ ફોન કર્યો હતોઃજોકે, જે ડે કેસના કારણે રાજન તિહારમાં બંધ જ રહેશે
જોકે, છોટા રાજન તિહાર જેલમાં જ રહેશે કારણ કે મુંબઈ સ્થિત ક્રાઈમ રિપોર્ટર જેડેની હત્યા માટે તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
ગુરુવારે છોટા રાજનને નિર્દોષ જાહેર કરતી વખતે, મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ (મકોકા કોર્ટના ખાસ જજ એ.એમ. પાટીલે નોધ્યું હતું કે ફરિયાદ પક્ષના સૌથી વિશ્વસનીય સાક્ષીને ખાતરી નથી કે બિલ્ડરને ધમકી આપવા માટે ફોન કરનાર વ્યક્તિ ખરેખર છોટા રાજન છે કે નહીં.
કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ ડેવલપર નંદકુમાર હરચંદાનીને છોટા રાજનના નામે અનેક ધમકીઓ મળી હતી. જેમાં તેમને કેટલાક ઉદ્યોગપતિઓની બાકી રહેલી રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે હરચંદાનીએ પૈસા ચૂકવવાના મામલે આરોપી છોટા રાજનની નારાજગી વહોરી લીધી હતી અને તેથી તેને પાઠ ભણાવવા આ યોજના ઘડી કાઢવામાં આવી હતી. રાજને તેના સાથીઓ દ્વારા કથિત રીતે હરચંદાનીને બાંધકામ સ્થળ પર કામ બંધ કરવા જણાવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૪માં સાત અજાણ્યા વ્યક્તિઓ હરચંદાનીની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને તેમના એકાઉન્ટન્ટ પર ગોળીબાર કર્યો, પરંતુ તે બચી ગયો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા તપાસવામાં આવેલા બે પ્રત્યક્ષદર્દીઓની જુબાની દરમિયાન હાલના આરોપી વિરુધ્ધ કંઈ ગુનાહિત નોંધાયું નથી. 'હાલના આરોપી વિરુધ્ધ સૌથી વિશ્વસનીય સાક્ષી ઈર્શાદ શેખ છે, જેને રાજનનો ધમકી અંગેનો કથિત ફોન આવ્યો હતો. પરંતુ તેની ઉલટતપાસ દરમિયાન તેણે સ્વીકાર્યું કે તેને ખાતરી નથી કે ફોન કરનાર વ્યક્તિ 'છોટા રાજન' જ હતો કે અન્ય કોઈ સાક્ષી દ્વારા આપવામાં આવેલી આ મહત્ત્વપૂર્ણ કબૂલાત છે. જે કેસના મૂળ સુધી જાય છે તેવું જજે જણાવ્યું હતું. કોર્ટે ઉમેર્યું હતું કે સારાંશમાં એવું કહી શકાય છે કે ફરિયાદ પક્ષ આરોપીનોગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.'