Mumbai

ગોળીબાર પહેલાં ચેતનસિંહ તબિયત સારી ન હોવાથી ટ્રેનમાંથી ઉતરી જવા માગતો હતો

By GS TEAM
7 Oct 20253 mins read
ગોળીબાર પહેલાં ચેતનસિંહ તબિયત સારી ન હોવાથી ટ્રેનમાંથી ઉતરી જવા માગતો હતો

ચાલુ ટ્રેને ગોળીબારના કેસમાં સાક્ષીની જુબાની 

સિનિયરે મંજૂરી ન આપી અને તે પછી ચેતનસિંહે ગોળીઓ વરસાવીઃ સાક્ષીએ એક  કલાક ટ્રેનના ટોઈલેટમાં પુરાઈ રહેવું પડયું હતું

મુંબઈ -  જયપુર - મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેનમાં જુલાઈ ૨૦૨૩ માં થયેલી ગોળીબારની ઘટનાના એક સાક્ષીએ સોમવારે મુંબઈની એક કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે આરોપીને તેના ફરજ પરના સિનિયરને કહેતા સાંભળ્યો હતો કે તે નીચે ઉતરવા માંગે છે કારણ કે તેની તબિયત સારી નથી.

જોકે, સિનિયરે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને કહ્યું કે તેઓ તેમને મુંબઈ જતી ટ્રેનમાંથી વચ્ચેથી નીચે ઉતરવાની પરવાનગી નહિ મળે એમ જણાવીને તેને આરામ કરવાની અને તેમની સવસ રાઇફલ સાથીદારને સોંપવાની સલાહ આપી હતી, એમ  સાક્ષીએ જણાવ્યું. 

થોડા સમય પછી તેણે જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બાના બાથરૃમ પાસે તે જ વરિષ્ઠ વ્યક્તિને લોહીના ખાબોચિયામાં પડેલો જોયો હતો, એમ સાક્ષીએ જુબાની આપી હતી.

ગોળીબારના દિવસે તે જ ટ્રેનમાં સવાર ૩૩ વર્ષીય સાક્ષીએ એડિશનલ સેશન્સ જજ (દિંડોશી કોર્ટ) એમએચ પઠાણ સમક્ષ જુબાની આપી અને આરોપીની ઓળખ પણ કરી હતી.

તેમણે મુંબઈના બહારના વિસ્તારમાં પાલઘર સ્ટેશન પાસે બનેલી ભયાનક ગોળીબારની ઘટનનાની યાદ તાજી કરી હતી. આ ઘટનાને લીધે તેણે એક કલાક સુધી ટ્રેનના વોશરુમમાં પુરાઈ રહેવું પડયું હતું. 

હાલમાં જેલમાં રહેલા ભૂતપૂર્વ આરપીએફ કોન્સ્ટેબલ ચૌધરી પર ૩૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ વહેલી સવારે જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તેમના વરિષ્ઠ સાથીદાર, સહાયક સબ-ઇન્સ્પેક્ટર ટીકા રામ મીણા અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે.

સાક્ષીએ, જ્યારે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુધીર સપકાલે દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે (ઘટનાના દિવસે) સવારે લગભગ ત્રણ  વાગ્યે, તેમણે ત્રણ વ્યક્તિઓ વચ્ચે વાતચીત સાંભળી હતી - એક વરિષ્ઠ આરપીએફ અધિકારી અને બે જુનિયર કર્મચારીઓ હતા.

સાક્ષીને પાછળથી સમાચાર અહેવાલો દ્વારા ખબર પડી કે  આરપીએફ કર્મચારીમાંથી એક ચૌધરી અને સિનિયર, સ્વર્ગસ્થ એએસઆઈ મીના હતા. તેણે ચૌધરીને તેના સિનિયર (મીના) ને કહેતા સાંભળ્યા કે તેમની તબિયત સારી નથી અને તેઓ ટ્રેનમાંથી નીચે ઉતરવા માંગે છે.

જોકે, સિનિયરે કોન્સ્ટેબલને કહ્યું કે તે બોરીવલી સ્ટેશન (મુંબઈ સેન્ટ્રલથી લગભગ ૩૫ કિમી દૂર) પર ઉતરી શકે છે અને ત્યાં સુધી તેને ટ્રેનની અંદર આરામ કરવાની સલાહ આપી હતી.

સાક્ષીએ યાદ કર્યું કે, સિનિયરે આરોપીને તેની સવસ રાઇફલ ટ્રેનમાં ફરજ પર રહેલા બીજા સાથીદારને આપવા સૂચના આપી હતી, અને બાદમાં આ સૂચનાનું પાલન કરતો હતો. જોકે, થોડા સમય પછી સાક્ષીએ ચૌધરીને પોતાનું હથિયાર પાછું માંગતા જોયો. પછી સિનિયરે તેમને સમજ આપી કે લોકો સૂઈ રહ્યા છે અને તેઓ કોચમાંથી બહાર આવ્યા, એમ મુસાફરે કહ્યું હતું. 

 મેં મારો મોબાઈલ ફોન ચેક કર્યો.. સવારના પાંચ  વાગ્યા દેખાઈ રહ્યા હતા. હું વોશરૃમ ગયો (અને બાથરૃમમાં હતો ત્યારે) મેં બે કે ત્રણ રાઉન્ડ ફાયરિંગ સાંભળ્યું. મેં (કોઈને) 'માર દિયા રે' (તેને મારી નાખ્યો) કહેતા પણ સાંભળ્યા, એમ સાક્ષીએ કોર્ટને જણાવ્યું  હતું.

સાક્ષીએ ઉતાવળથી બાથરૃમનો દરવાજો ખોલ્યો અને જોયું કે એ જ   કોન્સ્ટેબલ, જે તેના સિનિયરને તબિયત ખરાબ હોવાની ફરિયાદ કરી રહ્યો હતો, તે તેની રાઇફલ લઈને ત્યાં ઊભો હતો. સાક્ષીએ જણાવ્યું કે, તેનો સિનિયર ફ્લોર પર પડેલો હતો અને તેના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું.

 મેં તરત જ વોશરૃમનો દરવાજો બંધ કરી દીધો અને મારી માતાને ફોન કરીને ઘટના જણાવી. મેં મારા મામાને પણ ફોન કર્યો અને તેમણે મને ડરવાની જરૃર નથી અને વોશરૃમમાં જ રહેવા કહ્યું,એમ સાક્ષીએ કહ્યું.

મુસાફરે વધુમાં જણાવ્યું કે ટ્રેન બોરીવલી પહોંચ્યા પછી, તેણે વોશરૃમનો દરવાજો ખોલ્યો અને તેના ડબ્બામાં લોહી વહેતું જોયું અને પોલીસ અધિકારી લોહીના ખાબોચિયામાં પડેલા હતા. જુબાની દરમિયાન, સાક્ષીએ આરોપી (ચૌધરી) ને ઓળખી કાઢયો હતો. ચૌધરીને જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

બચાવ પક્ષના વકીલ જયવંત પાટીલના પ્રશ્નના જવાબમાં સાક્ષીએ કહ્યું કે તેમને તે દિવસે કેટલી ગોળીબાર થઈ હતી તેની ચોક્કસ સંખ્યા યાદ નથી. તેમણે કહ્યું કે ઘરે પહોંચ્યા પછી તેમણે ન્યૂઝ ચેનલો પર આરોપી અને મૃતકના ફોટા જોયા. ગોળીબારના થોડા સમય પછી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે.