દાઉદ ગેંગ સાથે સોદાના કેસમાં નવાબ મલિક સામે આરોપો ઘડાયા

હવે મલિક વિરુદ્ધ ખટલો ચાલશે
પ્રોપર્ટી સોદા દ્વારા દાઉદ ગેંગને મની લોન્ડરિંગમાં મદદ કરી હોવાના આરોપો
મુંબઈ - મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક ને દાઉદ ગેંગ સાથે પ્રોપર્ટી સોદા કરી મની લોન્ડરિંગમાં મદદ કરવાને લગતા કેસમાં આરોપો ઘડવામાં આવ્યા હતા. મલિકે પોતે આ કેસમાં દોષિત નહિ હોવાનું જણાવ્યું હતું. હવે આ કેસમાં ટ્રાયલ શરુ થશે.
સાંસદો-ધારાસભ્યોના કેસોના વિશેષ ન્યાયાધીશ સત્યનારાયણ નવાંદરે મલિક અને અન્ય આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યા બાદ તેમના વિરુદ્ધ આરોપો ઘડયા અને વાંચી સંભળાવ્યા હતા.
આ કેસમાં મલિક અને તેમના પરિવારના સભ્યો દ્વારા સંચાલિત કંપનીઓ આરોપી છે.
હવે બધા આરોપીઓ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનાઓ માટે ટ્રાયલનો સામનો કરવો પડશે.
મલિક સામે ઈડીનો કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા નિયુક્ત વૈશ્વિક આતંકવાદી અને ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી ઇબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ દાખલ કરાયેલી એફઆઈઆર પર આધારિત છે.
ઈડીએ આ કેસના સંદર્ભમાં ફેબુ્રઆરી ૨૦૨૨માં મલિકની ધરપકડ કરી હતી. તેઓે હાલમાં સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલા તબીબી જામીન પર છે.

