Get The App

વસઈ વિરારમાં અંધાંધૂધીઃ મતદાર યાદીઓમાં ગરબડો, ઈવીએમ મશીનો બંધ

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
વસઈ વિરારમાં અંધાંધૂધીઃ મતદાર યાદીઓમાં ગરબડો, ઈવીએમ મશીનો બંધ 1 - image

બટનો દબાતાં જ ન હોવાથી  બદલવાં પડયાં

એક જ ઘરમાં રહેતા પરિવારના સભ્યો દૂર દૂરના બૂથો વચ્ચે વહેંચાયાઃ બોગસ  મતદાનના કિસ્સા પણ પકડાયા

મુંબઈ -  વસઈ-વિરારમાં મતદાનના દિવસે ભારે ગડબડ જોવા મળી હતી. મતદાર યાદીઓમા ગરબડો, ઇવીએમ મશીનો બંધ, બોગસ મતદારો, કાર્યકરોમાં ઝઘડાઓ અને ઇવીએમ પર બટનો ન દબાતાં બનાવો જોવા મળ્યા હતા. આ કારણે ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયા પર જ શંકા વ્યક્ત કરી છે.

સવારથી જ મતદાન કેન્દ્રો પર ઘણી જગ્યાએ મશીનો બંધ થવાને કારણે મતદાનમાં વિલંબ થવાની ફરિયાદો મળી રહી હતી. સવારે મશીન બંધ થવાને કારણે વિરારના શિરગાંવમાં એક કલાક માટે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. ઘણા મતદારો ગભરાટમાં બહાર નીકળી ગયા હતા. એક જગ્યાએ ઇવીએમ મશીનમાં ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ, કમિશનર મનોજ કુમાર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ઇવીએમ મશીન તાત્કાલિક બદલવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ મશીનમાં સિટી બટન દબાવવામાં ન આવતું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વસઈ- વેસ્ટમાં, ઉમેલમાન વોર્ડ નંબર છવ્વીસના એક રૃમમાં મશીન ત્રણ કલાક માટે બંધ રહ્યું હતું. અમે સવારે સાડા છ વાગ્યાથી ફોલો કરી રહ્યા હતા. પરંતુ, અમારું બટન નંબર ત્રણ દબાવવામાં આવી રહ્યું ન હતું, એવો આરોપ વોર્ડ છવ્વીસના ઉમેદવાર પ્રમિલા પાટીલે લગાવ્યો હતો.

       આજે સવારે વિરારમાં બોગસ મતદાનનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો. વોર્ડ નંબર તેર માં તારાબાઈ વર્તક સ્કૂલના મતદાન કેન્દ્ર પર મહેશ રાઠોડ નામના મતદારના નામે કોઈએ મતદાન કર્યું હતું.

મતદાર યાદીઓમાં  પર ગરબડો

અનેક જગ્યાએ મતદાર યાદીઓમાં  ગરબડો જોવા મળી હતી. એક જ પરિવારના મતદારોએ ત્રણથી ચાર જગ્યાએ મતદાન આવ્યું હતું. આ કારણે, કોઈને ક્યાં મતદાન કરવું તે અંગે મૂંઝવણ હતી. વિરાર-ઈસ્ટ મનવેલપાડા વિસ્તારના લોકોના નામ ફુલપાડા અને નાલાસોપારામાં મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક જ પરિવારના લોકોના નામ અલગ અલગ કેન્દ્રોમાં મળી આવ્યા છે. નાલાસોપારાના બીએલઓ પાસે વિધાનસભા યાદીઓ હતી. તેથી, ઘણા નામ ગાયબ હતા. વોર્ડ નંબર સોળના ઉમેદવાર ધનંજય ગાવડેએ આ ગડબડ પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આવા પ્રકાર જાણી જોઈને કરવામાં આવી છે.

ચૂંટણી પંચે હાથ ખંખેર્યા, અમારો વાંક ન કાઢો, મતદારોએ જાતે અગાઉથી યાદી તપાસવી જોઈએ

મતદાર યાદીમાં ગરબડોની વ્યાપક ફરિયાદો અંગે ચૂંટણી પંચે હાથ ખંખેરી લીધા હતા. રાજ્યના ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ કહ્યું હતું કે મતદાર યાદીમાં પોતાનું નામ હોવા બાબતે મતદારોએ અગાઉથી ચકાસણી કરી લેવાની જરુર હતી. ઉમેદવારોએ પણ આ બાબતમાં સાવધ રહેવું જોઈતું હતું. 

તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. દરેક બાબત માટે ચૂંટણી પંચને દોષી ઠેરવી શકાય નહીં.લોકસભા અને વિધાનસભા વખતે જે બૂથ હતું તે જ બૂથ મ્યુનિસિપલ ચૂંટણી વખતે પણ હોય તેવી અપેક્ષા રાખી શકાય નહિ. 

વાઘમારેએ કહ્યું કે રાજ્યના મંત્રી ગણેશ નાઈક નવી મુંબઈમાં ખોટા મતદાન મથક પર ગયા હતા અને તેથી તેમનું મતદાન મોડું થયું હતું

નવી મુંબઇના મતદાન કેન્દ્રમાં સાપ

નવી મુંબઇમાં શિરવણી ખાતેના મતદાન કેન્દ્રમાં આજે બરાબર મતદાનને દિવસે જ સાપ નીકળતા થોડો સમય ગભરાટ ફેલાયો હતો. ત્યાર બાદ સીફ્તથી સાપને પકડીને ઝાડીમાં છોડી મૂકવામાં આવ્યો હતો.