જોકે, કેરળ સરકારે પ્રતિબંધને ફગાવી દીધો
ગાઝા પર ઈઝરાયેલના એટેકને લગતી ફિલ્મ ઉપરાંત કેટલીક જૂની ફિલ્મ પર પણ પ્રતિબંધ
મુંબઈ - આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯ ફિલ્મોનાં સ્ક્રિનિંગ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂૂકી દેતાં ભારે રાજકીય વિવાદ છેડાયો છે. કેરળ સરકારે આ પ્રતિબંધને ફગાવી દેતાં કહ્યું છે કે આ ફિલ્મોનું સ્ક્રિનિંગ થાય તેવા પ્રયાસો કરાશે.
કેન્દ્ર સરકારે પેલેસ્ટાઈન ક્રાઇસિસ પરની ચાર ફિલ્મો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમાં 'પેલેસ્ટાઈન ૩૬', 'વન્સ અપોન એ ટાઈમ ઈન ગાઝા', 'ઓલ ધેટ ઈઝ લેફ્ટ ઓફ યુ' તથા 'વાજિબ'નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાઈ ચુકેલી કેટલીક ક્લાસિક ફિલ્મો પર પણ પ્રતિબંધ લદાયો છે. તેમાં સર્જેઈ આઈસેન્સિટેઈનની ૧૯૨૫ના સોવિયેત યુગ પરની ફિલ્મ 'બેટલશિપ પોટેમકિન' તથા અન્ય ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પ્રતિબંધથી ભારે રાજકીય વિવાદ છેડાયો છે. કેરળના અનેક નેતાઓએ આ પ્રતિબંધની આકરી ટીકા કરી છે. આ ફિલ્મોનાં સ્ક્રિનિંગને મંજૂરી કેમ નથી અપાઈ તેનું કોઈ કારણ પણ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું નથી.


