ચોરીના બનાવો રોકવા નિર્ણય
યાર્ડના સેફ્ટી ઓડિટમાં ખામીઓ જણાતાં નિર્ણય
મુંબઇ - વેસ્ટર્ન રેલવેની ટ્રેનોની સુરક્ષિત અવરજવર અને પ્રવાસીઓની સલામતી માટે રેલવે સત્તાવાળા તરફથી મુંબઇ સેન્ટ્રલ-દાદર, બાંદરા ટર્મિનસ અને વસઇના યાર્ડમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવવામાં આવશે. આ સીસીટીવી કેમેરા પાછળ ૪૦ લાખનો ખર્ચ કરવામાં આવશે.
રેલવે યાર્ડ પરિસરનું તાજેતરમાં જ સેફટી ઓડિટ કરવામાં આવ્યું ત્યારે યાર્ડની સુરક્ષા વ્યવસ્થામાં ખામી જણાઇ હતી. એટલે જ યાર્ડની સુરક્ષા વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યાર્ડમાં ગેરકાયદે ઘૂસણખોરી, સિગ્નલ-કોમ્યુનિકેશનના કેબલની ચોરી, રેલવેની માલમત્તાની તોડફોડ તેમજ રેલવેના ઓપરેશન ખોરવવાના પ્રયાસનો ઘટનાઓ રેલવે પ્રશાસનના ધ્યાનમાં આવી હતી. આવી ઘટનાઓને કારણે ગયા વર્ષે લોકલ અને બહારગામની ટ્રેનોના ટાઇમ ટેબલ પર માઠી અસર થઇ હતી.
૨૦૨૪થી ૨૦૨૫ દરમ્યાન સિગ્નલ વ્યવસ્થા સાથે છેડછાડનો, યાર્ડમાંથી ભંગારની ચોરીની અને ટ્રેક સિસ્ટમને નુકસાન કરવાની ઘટનાઓ સામે આવી હતી. આને લીધે અકસ્માતનું પણ જોખમ ઉભું થવાને લીધે મુખ્ય રેલવે યાર્ડનું સેફ્ટી ઓડિટ કરીને સીસીટીવી નેટવર્ક ગોઠવવાની સાથે યાર્ડની સુરક્ષાના કડક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


