સીબીએસઈનો તમામ સ્કૂલોને 'શુગર બોર્ડ' લગાવવાનો આદેશ
બાળકોને ટાઈપ-ટુ ડાયાબિટીસથી બચાવવા પગલું
શુગર બોર્ડ પર દરરોજ વિદ્યાર્થીએ સાકરનું કેટલું પ્રમાણ ભોજનમાં લીધું તે નોંધાશ
મુંબઈ - બાળકોમાં ટાઈપ-ટુ ડાયાબિટીસ ઝડપભેર વધી રહ્યું છે. આથી તેને રોકવા માટે સીબીએસઈએ તેની સ્કૂલોમાં શુગર બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. સ્કૂલના બોર્ડથી બાળકે દિવસભરમાં કેટલું ગળ્યું ખાધું તે જાણી શકાશે.
બાળકે જો ચોકલેટ, કોલ્ડ ડ્રિંક, જંકફૂડ વગેરે આરોગ્યું હોય તો તેની જાણકારી તેણે શિક્ષકને આપવી પડશે. શિક્ષક બોર્ડ પર બાળકના નામ સામે દિવસભરમાં તેણે કેટલી શુગર લીધી તે લખશે. બાળકોને સ્કૂલમાં એ પણ જણાવવામાં આવશે કે તેમણે દિવસભરમાં કેટલું ગળ્યું ખાવું જોઈએ.
સીબીએસઈ તરફથી આદેશ મળ્યા બાદ સ્કૂલોએ શુગર બોર્ડ લગાવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. વિદ્યાર્થીઓમાં શુગર બાબતે જાગરુકતા લાવવા સ્કૂલોમાં વર્કશોપ અને સેમિનાર પણ યોજાશે. શુગર બોર્ડ તથા આ કાર્યક્રમોના રિપોર્ટ ફોટોગ્રાફ સાથે ૧૫ જુલાઈ સુધીમાં સીબીએસઈને મોકલવાના રહેશે.
ડોક્ટરોના કહેવા પ્રમાણે ૪ થી ૧૦ વર્ષના બાળકોની રોજની કેલરીમાં સાકરનો હિસ્સો ૧૩ ટકા અને ૧૧ થી ૧૮ વર્ષના બાળકોમાં આ હિસ્સો ૧૫ ટકા સુધીનો છે. જે નિર્ધારિત ૫ ટકાની મર્યાદાથી ઘણો વધુ છે. આથી વાલીઓએ બાળકોને પેકેજ્ડ ફૂડ, જંક ફૂડ ન ખવડાવવું જોઈએ. તેને કારણે સારા એંગ્ઝાઈમ અને હાર્મોન્સ પર ખરાબ અસર પડે છે.