16 કરોડની ઉચાપતમાં બેન્ક અધિકારી સામે સીબીઆઈની તપાસ
પાછલાં બે વર્ષની ગેરરીતીની તપાસ થશે
બેન્ક ઓફ ઈન્ડિયાના ઝોનલ મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધાયો
મુંબઇ - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ૧૬.૧૦ કરોડ રૃપિયાના ગુનાહિત ગેરરીતિના કેસમાં બેંક ઓફ ઇન્ડિયાના સ્ટાફ ઓફિસર સામે તપાસ શરૃ કરી છે. એજન્સીના સૂત્રોનુસાર સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી શાખાની મુંબઇ એકમના અધિકારીઓ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
આ બાબત ે સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે કથિત ગુનો મે ૨૦૨૩થી જુલાઇ ૨૦૨૫ના સમયગાળા દરમિયાન આચરવામાં આવ્યો હતો. એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં બેંક ઓફ ઇન્ડિયા, મુંબઇ નોર્થ ઝોનના ડેપ્યુટી ઝોનલ મેનેજર ઓમપ્રકાશની ફરિયાદના આધારે બેંક ઓફ ઇન્ડિયા, ટર્નર રોડ- બાંદ્રા શાખાના સ્ટાફ ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઝોનલ મેનેજર ઓમપ્રકાશે સીબીઆઇને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે સ્ટાફ ઓફિસરે ૧૬.૧૦ કરોડ રૃપિયાની રકમની ઉચાપત કરી ગુનાહિત દુરુપયોગ અને વિશ્વાસ-ઘાત કર્યો છે. સીબીઆઇના અધિકારીઓએ આ કેસની વધુ વિગત આપવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે તપાસ હમણાં જ શરૃ કરવામાં આવી છે. સીબીઆઇએ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯ (જાહેર સેવક અથવા બેંકર દ્વારા ગુનાહિત વિશ્વાસ જોગ) ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬ (ગુનાહિત વિશ્વાસ ભંગ) અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઇઓ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.