Get The App

રોયલ ટાઈગર ગેંગના સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલની સીબીઆઈ દ્વારા ધરપકડ

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
રોયલ ટાઈગર ગેંગના સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલની સીબીઆઈ દ્વારા  ધરપકડ 1 - image


એઆઈથી વોઈસ ક્લોનિંગ કરી કેેનેડા તથા યુએસના નાગરિકો સાથે છેતરપિંડી   

સાયબર ક્રાઈમ  ગેંગના સૂત્રધારને મુંબઈ-અમદાવાદમાં દરોડાઃ  ૪૫ હજાર ક્રિપ્ટો એસેટ્સ, નકલી આઈડી વગેરે જપ્તઃ ચાર દિવસના રિમાન્ડ 

પ્રિન્સને  વૈભવી જીવનશૈલીનો શોખઃલક્ઝરી કારો વસાવી હતી, વારંવાર વિદેશ પ્રવાસ ખેડતો હતોે

મુંબઈ - સીબીઆઈએ સાયબર ક્રાઈમ આચરતી રોયલ ટાઈગર ગેંગના સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલ આનંદની મુંબઈથી ધરપકડ કરી છે. તેને ત્યાં દરોડામાં વિદેશી  એન્ફોર્સમેન્ટ એજન્સીઓનાં નકલી આઈડી, ૪૫ હજારની ક્રિપ્ટો એસેટ્સ, ટેલિ ઈન્ફ્રાસ્ટ્રકચર વગેરે મળી આવ્યાં છે.  આ ગેંગ અમેરિકા તથા કેનેડાના નાગરિકોને ત્યાંની એન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે ધમકાવી પૈસા પડાવતી હતી. 

સીબીઆઈએ ગુરુવારે મુંબઈ તથા અમદાવાદમાં વિવિધ સ્થળે દરોડા પાડયા બાદ મુંબઈથી પ્રિન્સ જસવંતલાલ આનંદની ધરપકડ કરી હતી. તેને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

પ્રિન્સ જસવંતલાલ તથા તેની ગેંગના વિવિધ સ્થળોએથી એક સોફિસ્ટિકેટેડ ઢબે ચાલતાં સાયબર ક્રાઈમને લગતા અનેક દસ્તાવેજો તથા સાધનો અને ઉપકરણો મળ્યાં હતાં.  કેનેડા તથા યુએસના નાગરિકોને  ફસાવવા માટેની તૈયાર સ્ક્રિપ્ટસ, કેેનેડાની પોલીસ તથા અન્ય એજન્સીઓના આઈડી, ટેલિકોમ ઉપકરણો વગેરે જપ્ત કરાયાં  હતાં. 

સીબીઆઈના જણાવ્યા અનુસાર પ્રિન્સ પાસેથી ૪૫ હજાર ડોલરની વર્ચુઅલ ડિજિટલ એસેટસ પણ જપ્ત કરાઈ છે. 

પ્રિન્સ આનંદને ત્યાં દરોડામાં જાણવા મળ્યુ ંહતું કે તે એકદમ વૈભવી જીવનશૈલી ધરાવતો હતો. તેની પાસે  લકઝરી કાર્સ, ડિઝાઈનર એસેસરીઝ સહિતની મોંઘીદાટ ચીજો હતી. તે વારંવાર વિદેશ પ્રવાસ ખેડતો હતો. તેણે સાયબર અપરાધો આચરીને પુષ્કળ બેનામી સંપત્તિ જમા કરી હોવાની પણ શંકા છે. 

સીબીઆઈએ ઓપરેશન ચક્ર ફાઈવના ભાગરુપે આ દરોડા પાડયા હતા. 

આ ગેંગ વિદેશી સરકારી એજન્સીઓ, બેન્કો અથવા તો યુટિલિટી કંપનીઓના પદાધિકારીઓ તરીકેનો સ્વાંગ રચી અમેરિકી કે વિદેશી નાગરિકોનો સંપર્ક કરતી હતી. તેઓ આ માટે એઆઈ દ્વારા વોઈસ ક્લોનિંગનો પણ ઉપયોગ કરતા હતા. આ ગેંગના સાગરિતો વિદેશી નાગરિકોને કાયદાકીય વ્યવહારો કે અન્ય બાબતોમાં ડરાવતા ધમકાવતા હતા અને તેમને વિવિધ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા. 

તેઓ આ નાણાંકીય વ્યવહારોને છૂપાવવા માટે મોટાભાગે ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાંકીય હેરફેર કરતા હતા. 

અમેરિકી એજન્સીએ રોયલ ટાઈગર ગેંગ વિશે  ચેતવણી આપી હતી

ફ્રેન્ક મર્ફી  ઉપનામથી પ્રિન્સ જસવંતલાલના ગોરખધંધા

રોબોકોલ્સ તરીકે ઓળખાતી ઓટોમેટેડ કોલ્સની ટેકનિક અજમાવી કેેનેડા-યુએસના નાગરિકોને ધમકાવતા હતાઃ કૌશલ ભાવસાર  મુખ્ય સાગરિત

 અમેરિકાની ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન્સ (એફસીસી) દ્વારા અગાઉ પણ રોયલ ટાઈગર ગેંગ સાયબર ક્રાઈમમાં સામેલ હોવા અંગે ચેતવણી અપાઈ હતી. તેણે આ ગેંગને કન્ઝ્યુમર કમ્યુનિકેશન ઈન્ફર્મેશન સર્વિસિસ થ્રેટ ( સી-સીઆઈએસટી) તરીકે ઓળખાવી હતી. આ ગેંગના મુખ્ય સુત્રધારોમાં પ્રિન્સ જસવંતલાલ આનંદ તથા તેનો સાગરિત કૌશલ ભાવસાર સામેલ હોવાનું જણાવાયું હતું. 

 એફસીસી દ્વારા ગયાં વર્ષે જારી કરાયેલી એક નોટિસમાં જણાવાયું હતું કે રોયલ ટાઈગર ગેંગ દ્વારા અમેરિકાના લોકોને ગેરકાયદેસર રીતે કોલ કરી નુકસાન પહોંચાડવામાં આવે છે અને આ રીતે આ ગેંગ કમ્યુનિકેશન  નેટવર્કસમાં ગ્રાહકોના વિશ્વાસને હાનિ પહોંચાડી રહ્યા છે. આ  ગેંગે અમેરિકી નાગરિકોને  છેતરવા માટે રોબોકોલ્સ તરીકે ઓળખાતી ઓટોમેેટેડ ફોન કોલ્સની ટેકનિક અજમાવતી  હોવાનું જણાવાયું હતું. તેઓ ગ્રાહકોને છેતરવા માટે એઆઈ આધારિત વોઈસ  ક્લોનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. 

આ ગેંગના સાગરિતો ભારત ઉપરાંત અમેરિકા, યુકે તથા યુએઈમાં પણ પથરાયેલા હોવાનું જણાવાયું હતું.


Tags :