મહારાષ્ટ્રમાં ક્યારેય કેસિનો નહીં ખૂલેઃ 45 વર્ષ જૂનો કાયદો રદ
ન રહે બાંસ ન બજે બાંસુરી જેવો મહારાષ્ટ્ર કેબિનેટનો નિર્ણય
ચાર દાયકા પહેલાંનો કાયદો કાગળ પર અસ્તિત્વ ધરાવતો હોવાથી વારંવાર અરજીઓ થતી હતી, આથી કાયદા જ નાબૂદ
મુંબઇ: મહારાષ્ટ્રમાં હવે ક્યારેય કેસિનો ખૂલશે નહીં. રાજ્યમાં કેસિનો ખોલવા બાબતે ૪૫ વર્ષ પહેલાં કાયદો રચાયો હતો. પરંતુ, તેનો વાસ્તવમાં ક્યારેય અમલ થયો ન હતો. વખતો વખત જુદી જુદી સરકારોએ કેસિનોને મંજૂરી નહીં આપવાનું જ વલણ અપનાવ્યું હતું. જોકે, કાગળ પર તો કાગળ પર પણ કાયદો અસ્તિત્વમાં હોવાથી સરકારને વારંવાર કેસિનો શરુ કરવા દેવાની અરજીઓ મળતી રહેતી હતી. એટલું જ નહીં પરંતુ આ કાયદાનો હવાલો ટાંકીને અદાલતોમાં પણ અરજીઓ થતી હતી. આખરે સરકારે આ કાયદાને જ નાબૂદ કરી કેસિનોની વાત પર કાયમી પૂર્ણવિરામ મૂકી દીધું છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ કાયદો રદ કરવાને બહાલી અપાઈ ગઈ છે. જોકે, તે માટેનો ઔપચારિક ઠરાવ વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં આવશે.
મહારાષ્ટ્રમાં માત્ર કાગળ પર જ મહારાષ્ટ્ર કસિનો ( નિયમન અને કર) અધિનિયમ, ૧૯૭૬ અસ્તિત્વ ધરાવતો હતો. ગોવાની જેમ અહીં પણ કેસીનો રચાય તો રાજ્યને સારી આવક પ્રાપ્ત થાય તેવા હેતુથી જે તે સમયે આ કાયદો રચાયો હતો. જોકે, કેસિનો શરુ કરવા સામ ેસામાજિક વિરોધ પણ વધારે હતો. કેસિનોને મંજૂર ી આપવા જતાં લોકરોષ સહન કરવો પડે તેવા ડરથી એક પણ સરકારે આ કાયદા હેઠળ કોઈ કેસીનો શરુ કરવાની મંજૂરી ક્યારેય આપી જ ન હતી.
દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે જ એવો સૈદ્ધાંતિક નિર્ણય લેવાઈ ગયો હતો કે રાજ્યમાં ક્યારેય કેસિનોને મંજૂરી અપાશે નહીં. પરંતુ, આ કાયદો સરકારની પોથીમાં અસ્તિત્વ ધરાવે છે એ મુદ્દે વારંવાર અરજીઓ થતી હતી અને કેટલાય લોકો તો અદાલત સુધી પણ પહોંચ્યા હતા. આથી, આ ઝંઝટ ટાળવા આજે મંત્રીમંડળની બેઠકમાં આ કાયદાનો છેદ ઉડાડી દેવાનો ઠરાવ રજૂ થયો હતો.
જોકે, હજુ આ નિર્ણય માટે વિધાનસભાની બહાલી મેળવાશે. વિધાનસભાનું ચોમાસુ સત્ર આ મહિનાના પહેલા સપ્તાહમાં જ પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલે આ કાયદાની કાયદેસરની નાબૂદીને બહાલી આપવાનું શિયાળુ સત્રમાં જ શક્ય બનશે.
સરકારે ક્યારેય મજૂરી નહીં આપી હોવા છતાં જુદી જુદી કંપનીઓએ કેસિનો સ્થાપવા પરવાનગી માટે અરજીઓ કરી હતી. આજની તારીખે પણ આવી ચાર અરજીઓ સરકાર પાસે પડતર હોવાનું જાણવા મળે છે.
સરકાર ચોમાસુ સત્રની ડેડલાઈન ચુકી ગઈ છે એટલે હાલ આ કાયદો રદ કરવાનો નિર્ણય લેવાઈ ગયો હોવા છતાં બીજા કેટલાક મહિના સુધી તે કમસેકમ કાગળ પર અસ્તિત્વમાં જ રહેશે.