અમુક શાળાઓએ વાલીઓને ખાસ સૂચના પાઠવી
મુંબઇ : મુંબઇમાં બાળકોમાં અછબડા (ચીકનપોક્સ) ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સાથોસાથ બાળકોના હાથ, પગ અને મોઢામાં પણ લાલ ચકામાં ઉપસી આવતાં હોવાના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.
શહેરનાં પશ્ચિમનાં પરાંની અમુક શાળાઓમાં ભણતાં બાળકોમાં આવા રોગનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. એટલે આ બધી શાળાના સંચાલકોએ બાળકોનાં માતાપિતાને ખાસ પ્રકારની લેખિત માર્ગદર્શિકા મોકલીને નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવા જણાવ્યું છે.
એક શાળાના સંચાલકોએ તેનાં કેજીનાં અને પહેલા ધોરણમાં ભણતાં બાળકોનાં માતાપિતાને ખાસ પત્ર પાઠવ્યો છે. પત્રમાં બાળકોમાં વધી રહેલા અછબડાના વધી રહેલા કેસ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથોસાથ તેમનાં સંતાનમાં અછબડાનાં કોઇ લક્ષણો જણાય તો તેમને શાળામાં નહીં મોકલવા સલાહ-સૂચના આપવામાં આવી છે. બાળક તબીબી સારવાર બાદ સંપૂર્ણ સાજી નરવું થઇ જાય તે પછી જ તેને શાળામાં મોકલવા પણ સૂચના આપવામાં આવી છે.
મુંબઇના બાળ રોગના એક નિષ્ણાત તબીબે એવી માહિતી આપી હતી કે છેલ્લા એક-બે સપ્તાહ દરમિયાન મારી પાસે અછબડાનાં લક્ષણો ધરાવતાં બાળકોના કેસ આવ્યા છે.માથું દુઃખવું, તાવ આવવો, થાક લાગવો, ચામડી પર લાલ ચકામાં ઉપસી આવવાં વગેરે અછબડાનાં લક્ષણો છે. વળી, આ પ્રકારના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. મુંબઇમાં કોરોનાની મહામારી બાદ શાળાઓ ફરીથી શરૃ થઇ ત્યારે જે જે બાળકોએ ચીકનપોક્સ વેક્સીન નહીં લીધી હોય તેમને અછબડાની અસર થઇ હોય તેવું બની શકે.
બાળ રોગના અન્ય એક ડોક્ટરે પણ એવી માહિતી આપી હતી કે બાળકોમાં અછબડા ઉપરાંત તેમનાં હાથ, પગ, મોઢામાં લાલ ચકામાં ઉપસી આવવાં જેવાં લક્ષણો જોવા મળે છે એ સાચું છે. આવાં લક્ષણો કાં તો વાઇરલ ઇન્ફેક્શન(હવા દ્વારા ફેલાતો ચેપ)ને કારણે હોઇ શકે. આવાં લક્ષણોને કારણે માતાપિતાને જબરી દ્વિધા થાય તે પણ સ્વાભાવિક છે.આમ છતાં આજે અછબડાની સારવાર શક્ય હોવાથી બાળક બહુ જલદી સાજું નરવું થઇ જાય છે.


