ખોટા દસ્તાવેજો રજૂ થયા, રેકર્ડમાં ચેડાં કરાયાં
મોડેથી બર્થ સર્ટિફિકેટ માગી ખોટા પુરાવા રજૂ કરવાની મોડસ ઓપરેન્ડીઃ અધિકારીઓની સાંઠગાંઠના આરોપો
મુંબઈ - કુર્લા, દેવનાર તથા મુલુન્ડમાં નકલી બર્થ સર્ટિફિકેટ કૌભાંડમાં ૨૦થી વધુ લોકો સામે અલગ અલગ કેસો નોંધાયા છે. બનાવટી દસ્તાવેજો રજૂ કરવા તથા નામ અને માતાપિતાની વિગતો સુધારવા રેકર્ડમાં ચેડાં સહિતના આરોપો મૂકાયા છે.
કુર્લામાં ૧૫ લોકો સામે ફરિયાદ થઈ છે. નવેમ્બર ૨૦૨૩ અને એપ્રિલ ૨૦૨૫ વચ્ચે ડો. શૈલેન્દ્ર દત્તાત્રય ગુર્જરે (૪૮) જેઓ એલ વોર્ડમાં મેડિકલ હેલ્થ ઓફભિસર તરીકે ફરજ બજાવતા હતા તેમણે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પોતાના લોગિન આઇડીનો ઉપયોગ કરીને અનેક જન્મ પ્રમાણપત્રોમાં અનધિકૃત સુધારા કર્યા હતા તેવો આરોપ છે.
આ કેસોમાં અરજદારોએ તેમના બાળકોના નામમાં ફેરફારની તેમજ અમૂક કેસમાં અરજદારોએ માતા- પિતાની વિગતોમાં ફેરફારની માંગ કરી હતી. આ બાબતે અમૂક લોકોએ તેમનો જન્મ ઘરમાં જ થયો હોવાનો દાવો કર્યો હતો અને એલ વોર્ડના અધિકારીઓને પ્રમાણપત્રો માટે અરજી કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે કોઇ સત્તાવાર જન્મનો રેકોર્ડ ઉપલબ્ધ નથી. કુર્લા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (પીએનએસ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
મુલુંડ તહેસીલ ઓફિસ (કુર્લા) ખાતે વોર્ડ ઓફિસર તરીકે કાર્યરત ૪૧ વર્ષીય ભીમરાવ ભાલેકરની ફરિયાદ બાદ મુલુંડ પોલીસે જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરનારા ચાર વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. ઓફિસમાં વિલંબિત જન્મ પ્રમાણપત્રો માટે ૪૦૦થી વધુ અરજીઓ મળી હતી અને અરજદારો એ નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા.
આ જ રીતે દેવનાર એમ ઇસ્ટ વોર્ડના મેડિકલ હેલ્થ ઓફિસર અને રજિસ્ટ્રાર ૪૭ વર્ષીય ડો. પ્રદીપ પ્રહલાદ-રાવ કશાલેની ફરિયાદના આધારે દેવનાર પોલીસે ૨૦૨૪માં પાંચ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો જેમણે ૧૦૬થી વધુ જન્મોની નોંધણી માટે ખોટી માહિતી અને દસ્તાવેજો રજૂ કર્યા હતા.


