રઝા મુરાદના મોતની અફવા ફેલાવનારી મહિલા સામે ગુનો દાખલ
રઝા મુરાદે પોલીસ ફરિયાદ આપી હતી
દેશ વિદેશમાંથી અનેક લોકોના કોલ આવ્યાઃ પીઢ અભિનેતા ખુલાસો કરીને થાક્યા
મુંબઈ - અંબોલી પોલીસે પીઢ ચરિત્ર અભિનેતા રઝા મુરાદના મૃત્યુ અંગે ખોટા સમાચાર ફેલાવવા બદલ એક મહિલા ઝૈનબ કાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
બે દિવસ સુધી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૭૪ વર્ષના અભિનેતાના મૃત્યુ વિશેના સમાચારો સતત ફરતા રહ્યા હતા. આ બાબતની ફેસબુક પોસ્ટ વાયરલ થતા અફવાઓએ જોર પકડયું હતું. જેના કારણે રઝા મુરાદને સતત સ્પષ્ટતા કરવી પડી હતી કે તેઓ જીવિત છે.
આ બાબતે રઝા મુરાદે તેમના એક નિવેદનમાં દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 'કેટલાક લોકો મારા અસ્તિત્વથી પરેશાન હશે તેથી તેમણે મારા મૃત્યુ વિશે ખોટી માહિતી ફેલાવી અને શોક સંદેશો પણ લખ્યો હતો.' આરોપીએ કથિત રીતે મુરાદની જન્મ તારીખ અને બનાવટી મૃત્યુ તારીખ સાથેની વિગતો પોસ્ટ કરી મુરાદને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પોસ્ટને કારણે અભિનેતાને દેશ અને વિદેશમાંથી અસંખ્ય ફોન કોલ્સ આવ્યા હતા. લોકોને પોતે જીવિત હોવાનું જણાવી મુરાદ કંટાળી ગયા હતા અને લેખિતમાં પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ અંબોલી પોલીસે ફેસબુકને પત્ર લખીને પોસ્ટ દૂર કરવાની માગ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ પોસ્ટ બાદમાં ડિલિટ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે વધુ તપાસ કરી રહ્યા છે.