ભ્રામક ચૂંટણી ડેટા બદલ સીએસડીએસના સંજય કુમાર સામે ગુનો દાખલ

મહારાષ્ટ્ર ચૂંટણીના ખોટા ડેટા બદલ જાહેર માફી માગ્યા બાદ કેસ
ખોટી માહિતી ફેલાવવા બદલ તથા ચૂંટણી નીતિનિયમોનાં ઉલ્લંઘન બદલ નાગપુર પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ
મુંબઈ - મહારાષ્ટ્ર ચૂંટણીના પોતે રજૂ કરેલા ડેટા ભ્રામક અને ભૂલભરેલા હોવાની કબૂલાત કર્યા બાદ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી( સીએસડીએસ)ના સંજય કુમાર સામે નાગપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તેમની સામે ખોટી માહિતી ફેલાવવા તથા ચૂંટણી સંબંધિત નીતિનિયમાના ઉલંલઘનની ફરિયાદ નોંધાઈ છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની પ્રેસ કોન્ફરન્સ બાદ મતદાનમાં છેતરપિંડી અંગેની ચર્ચા અને આરોપો વચ્ચે વિવાદ સર્જાતા કુમારે જાહેરમાં માફી માગી હતી તેના એક દિવસ બાદ આ એફઆઈઆર નોંધાઈ છે.
એક રિપોર્ટ મુજબ કુમારે અહેવાલ મુજબ દાવો કર્યો હતો કે ગયા વર્ષે લોકસભાની ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રના નાસિક પશ્ચિમ અને હિંગણા વિધાનસભા મતવિસ્તારોમાં મતદારોની સંખ્યા અનુક્રમે ૪૭ ટકા અને ૪૩ ટકાનો વધારો થયો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રામટેક અને દેવલાલી મતવિસ્તારમાં મતદારોની સંખ્યામાં અનુક્રમે ૩૮ ટકા અને ૩૬ ટકાનો ઘટાડો થયો છે. બાદમાં મંગળવારે તેમણે એક્સપર એક પોસ્ટમાં માફી માગી હતી અને કહ્યું હતું કે અમારા દ્વારા ડેટાનું ખોટું વિશ્લેષણ કરાયું હતું. તેમણે ચૂંટણી ડેટાની જૂની વિવાદાસ્પદ પોસ્ટસ ડિલીટ પણ કરી હતી.
સંજય કુમારે આ બાબતે ચોખવટ કરતા જણાવ્યું હતું કે 'મહારાષ્ટ્ર ચૂંટણી સંબંધિત પોસ્ટ કરાયેલ ટ્વીટ્સ માટે હું દિલથી માફી માગું છું. ૨૦૨૪ની લોકસભા અને ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીના ડેટાની સરખામણી કરતી વખતે ભૂલ થઈ ગઈ છે. અમારી ડેટા ટીમ દ્વારા ડેટા ખોટી રીતે તપાસવામાં આવ્યો હતો.
શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત આઈસીએસએસઆરએ ભ્રામક ડેટા બાબતે મંગળવારે (૧૯ ઓગસ્ટ)ના રોજ સીએસડીએસને કારણદર્શક નોટિસ જારી કરી હતી. દરમિયાન નાસિક જિલ્લાના ચૂંટણી કાર્યાલય દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. ડીઈઓ નાસિકે એક્સ પર પોસ્ટ કરી હતી કે સીએસડીએસના સંજય કુમારને મતદારોની ગેરમાર્ગે દોરતી માહિતી પોસ્ટ કરી છે તેથી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. બધા નાગરિકોને વિનંતી છે કે તેઓ ફક્ત ઈસીઆઈની વેબસાઈટ પરથી જ માહિતી ચકાસે.'
આ પ્રકરણે સંજયકુમાર સામે રામટેકના તહેસીલદારની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૭૫ (ચૂંટણીના સંદર્ભમાં ખોટું નિવેદન), ૩૫૩ (૧) બી જાહેરમાં અયોગ્ય નિવેદનો) ૨૧૨ (જાહેરસેવકને ખોટી માહિતી પૂરી પાડવી અને ૩૪૦ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








