Mumbai

પોલીસ યુનિફોર્મ સાથે શૂટિંગ માટે યુ ટયુબર સહિત 5 સામે ગુનો દાખલ

By GS TEAM
2 Oct 20252 mins read
પોલીસ યુનિફોર્મ સાથે  શૂટિંગ માટે યુ ટયુબર સહિત 5 સામે ગુનો દાખલ

મલાડમાં શૂટિંગમાં પોલીસના લોગોવાળાં વાહનનો પણ ઉપયોગ

રસ્તા પર શૂટિંગ ચાલુ હતું તે દરમિયાન જ બે પીએસઆઈ ત્યાંથી પસાર થયાઃ પોલીસ જેવું વાહન જોઈ પૂછપરછમાં ભાંડો ફૂટયો

મુંબઇ -  મલાડ વેસ્ટમાં પોલીસના લોગો સાથેનાં વાહન તથા પોલીસ યુનિફોર્મમાં શૂટિંગ માટે એક  યુ ટયુબર સહિત પાંચ સામે બાંગુરનગર પોલીસે ગુનો  દાખલ કર્યો હતો. યુ ટયુબરે બચાવ કર્યો હતો કે તેઓ ટ્રાફિક જાગૃતિ માટે કન્ટેન્ટ બનાવવા શૂટિંગ કરી રહ્યા હતા. જોકે, પોલીસના યુનિફોર્મ તથા લોગોના વપરાશ માટે કોઈ પરવાનગી નહિ લેવાઈ હોવાથી ગુનો દાખલ કરાયો હતો. 

આ સંદર્ભે વધુ વિગતાનુસાર સોમવારે મલાડ (વે)માં એક બિલ્ડિંગની બહાર બાંગુરનગર  પોલીસ મથક સાથે સંકળાયેલા પોલીસ સબ  ઇન્સ્પેકટર (પીએસઆઇ) થોરાત તેમના એક સહ્યોગી પીએસઆઇ સાથે ફરજ પતાવી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે બોલરો પોલીસ જીપ જોઇ હતી. આ જીપ આબેહૂબ પોલીસ જીપ જેવી લાગતી હતી અને તેમાં પોલીસ દળનો લોગો અને સૂત્ર પણ લખેલું હતું. આ ઉપરાંત પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિ પણ ત્યાં ફરી રહ્યો હતો જ્યારે રસ્તાની બીજી બાજુએ એક કારમાંથી શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું.

થોરાતને આ સમગ્ર ઘટના શંકાસ્પદ લાગતા તેમણે ત્યાં જઇને પૂછપરછ કરતા એક મહિલાએ પોતાની ઓળખાણ કન્ટેન્ટ ક્રિએટર અંજલી તરીકે આપી હતી અને રિતેશ નામના એક યુવાને તેઓ એક યુટયુબ ચેનલ માટે કન્ટેન્ટ બનાવી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ આ શૂટિંગ ટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ લાવવાના  આશયથી બનાવી રહ્યા હતા. આ બાબતની વધુ પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ લોકો પણ બહાર આવ્યા હતા જેમણે પોલીસનો ખાખી યુનિફોર્મ પહેર્યો હતો. આમાં એક વ્યક્તિ પોલીસના નકલી વાહનનો ડ્રાઈવર હતો. 

પોલીસે પુષ્ટિ કરી હતી કે આ વાહન પોલીસનું બનાવટી વાહન હતું અને આ લોકોએ પરવાનગી વગર મુંબઇ પોલીસનો લોગો સૂત્ર અને યુનિફોર્મનો વપરાશ કર્યો હતો. તેથી આ તમામ લોકોને બાંગુર નગર પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં અંજલિ સહિત પાંચેય વ્યક્તિ સામે બીએનએસની ક લમ ૩(૫) ૨૦૫ અને ૨૨૩ હેઠળ એપઆઇઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ લોકોને નોટિસ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. પોલીસ અને તપાસ પણ કરી રહી છે કે આ લોકોને પોલીસનો લોગો અને યુનિફોર્મ  કયાંથી મળ્યા હતા.