વિરારમાં મરાઠી મુદ્દે રિક્ષાચાલક પર હુમલા મુદ્દે આખરે કેસ દાખલ
ઉદ્ધવ સેના- મનસેના ૧૧ કાર્યકરો સામે ગુનો
રાયોટિંગ સહિતની કલમો દાખલઃ હુમલો કરનારા કાર્યકરોને પોલીસે નોટિસ આપી
મુંબઈ - મરાઠી મુદ્દાને લઈને વિરારમાં એક પરપ્રાંતિય રિક્ષા ચાલક પર હુમલો કરનારા ૧૧ લોકો સામે વિરાર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. આમાં શિવસેના અને મનસેના કાર્યકરોનો સમાવેશ થાય છે.
અગાઉ પોલીસે એવું નિવેદન આપ્યું હતુ ંકે તેમણે વાયરલ વિડીયો જોયો છે પરંતુ કોઈ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યું ન હોવાથી ઔપચારિક ફરિયાદ નોંધી નથી.
રાજુ પટવા નામના રિક્ષા ચાલકે એક મહિલા સાથે ગેરવર્તન કરી તેના ભાઈને માર માર્યો હોવાનો આરોપ હતો. તે સમયે રાજુ પટવાએ પોતે મરાઠી ભાષા નહિ જ બોલે તેવાં નિવેદનો કર્યાં હોવાનું કહેવાય છે.
વિરારમાં શિવસેના યુબીટીના કાર્યકરોએ આ રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો. શનિવારે જાહેર માર્ગ પર જ તેમણે તેને તમાચા માર્યા હતા અને જેની સાથે ખરાબ વર્તન કર્યું હતું તેની માફી મગાવી હતી.
આ વિડીયો વાયરલ થયો હતો. હુમલો બાબતે શિવસેના ઠાકરે જૂથના શહેર પ્રમુખ ઉદય જાધવ ઉપરાંત સાધી જાધવ, તેમ જ મનસે પાર્ટીના જય જૈતાપકર, રોશની જાધવ સામે ગુનો દાખલ કરાયો છે.
વિરાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૯ (૨), ૧૯૦, ૧૯૧ (૨), ૧૧૫ (૨), ૩૫૧ (૨) ૧૨૬ (૨) અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ ૩૭ (૩), ૧૩૫ હેઠળ ગેરકાયદેસર રીતે ભેગા થવા, જાહેર શાંતિનો ભંગ કરવા અને રમખાણો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
અમે આરોપીઓને નોટિસ ફટકારી છે અને વધુ તપાસ ચાલી રહી છે, એમ વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર લાલુ તુરેએ જણાવ્યું હતું.