નવી મુંબઇની હોસ્પિટલના 5 દર્દીઓને ચેપ લાગતા 2 ડૉકટરો સામે કેસ દાખલ
આંખના ઓપરેશન બાદ તબિયત બગડયાનો આરોપ
લાયસન્સ વિના સર્જરી કરાઈ હોવાનો આરોપ
મુંબઈ - નવી મુંબઇની એક પ્રખ્યાત હોસ્પિટલમાં ઓપરેશન પછી પાંચ દર્દીઓને આંખનો ગંભીર ચેપ લાગતા અને લાયસન્સ વિના સર્જરી કરવાના આરોપસર બે ડૉકટર સામે પોલીસે કેસ નોંધ્યો છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
વાશી સ્થિત ખાનગી આંખની હોસ્પિટલમાં ડિસેમ્બર ૨૦૨૪ અને માર્ચ, ૨૦૨૫ની વચ્ચે આ સર્જરીઓ કરવામાં આવી હતી.
આરોપી ડૉકટરો પર આરોપ છે કે તેમણે ઉતાવળ અને બેદરકારીથી આંખની સંર્જરી કરી હતી. પરિણામે ૬૫ વર્ષથી વધુ ઉમરની દંપતી સહિત પાંચ દર્દીઓને આંખમાં ગંભીર ઇજાઓ થઇ હતી. સર્જરી પછી દર્દીઓને ગંભીર ચેપનું નિદાન થયું હતું. એમ વાશી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
ડૉકટરોએ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ પાસેથી તેમના લાયસન્સના જરૃરી રિન્યુઅલ વિના સર્જરીઓ કરી હોવાનો આરોપ છે.
પીડિતોની ફરિયાદોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ સિવિલ સર્જન દ્વારા સુપરત કરાયેલા અહેવાલના આધારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. સિવિલ સર્જનના રિપોર્ટમાં દર્દીઓ દ્વારા પોલીસ સમક્ષ કરાયેલા આરોપોને સમર્થન આપવામાં આવ્યું હતું એમ અધિકારીએ જણાવ્યું હતું.
વાશી પોલીસે બંને ડૉકટરો સામે કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અત્યાર સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી અને વિગતવાર તપાસ ચાલી રહી છે.