Mumbai

કાર ચાલકે સિકયોરિટી ગાર્ડને બોનેટ પર લટકાવીને 12 મીટર સુધી ઢસડયો

By GS TEAM
29 Jun 20252 mins read
કાર ચાલકે સિકયોરિટી ગાર્ડને  બોનેટ પર લટકાવીને 12 મીટર સુધી ઢસડયો

મુંબઈ એરપોર્ટ પર કાર પાર્કિંગના વિવાદ બાદ

ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી

મુંબઈ -  મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ ૧માં સુરક્ષા ગાર્ડ કાર ચાલકને યુ ટર્ન પર પાર્ક કરેલી ગાડી ખસેડવા કહેતા વિવાદ સર્જાતા કાર ડ્રાઈવરે ગુસ્સામાં કાર દોડાવી દેતા સિક્યોરિટી ગાર્ડ બોનેટ પર ફસાય ગયો  હતો. તેને ૧૦થી ૧૨ મીટર સૂધી ઢસડયો હતો. આ ઘટનામાં સિક્યોરિટી ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપી કાર ચાલકની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ૨૬ જૂનના રોજ બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. જેમાં ક્રિસ્ટલ સિક્યુરિટી કંપનીનો કર્મચારી અફરોઝ સિદ્દીકી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ પર ટર્મિનલ નં. ૧ પર  અફરોઝ જે અહીં સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ પર તૈનાત હતો. તેણે વડાલાના રહેવાસી મોહમ્મદ ખલીલને યુ ટર્ન પર પાર્ક કરેલી તેની કાર અહીંથી ખસેડવા જણાવ્યું હતું.

આ સમયે કાર ચાલક મોહમ્મદે તેની અવગણના કરી હતી. જેથી બાદમાં બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો. વિવાદ સમયે  અફરોઝ કારની સામે જ ઉભો હતો. જેથી આ વિવાદથી ગુસ્સે ભરાયેલા મોહમ્મદે કારને દોડાવી દેતા  અફરોઝ કારના બોનેટ પર ફસાય ગયો હતો. આ બાદ કાર ચાલકે કાર દોડાવી દેતા સિક્યોરિટી ગાર્ડને ૧૦થી ૧૨ મીટર સુધી ઢસડયો હતો.  આ બાદ મોહમ્મદે અચાનક કારને બ્રેક મારતા અફરોઝ નીચે પટકાયો હતો અને સામેથી આવતી બીજી કાર સાથે અથડાયો હતો. 

આ ઘટનામાં સિક્યોરિટી ગાર્ડ અફરોઝ ગંભીર રીતે ઘાયલ થયો હતો.  આ સમયે ત્યાં હાજર લોકો એકઠા થઈ ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  જ્યાં હાલ તે સારવાર હેઠળ છે. આ સંપૂર્ણ ઘટના ત્યાં હાજર સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી.

જેથી આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસને આ ઘટના ધ્યાનમાં આવતા તેણે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ (બી) (બીજાઓના જીવ અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકતું કૃત્ય) અને ૨૮૧ (જાહેર માર્ગ પર બેફામ વાહન ચલાવવું) તેમજ મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ બાદ ૨૮ જૂનના રોજ કાર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.