Mumbai

કોસ્ટલ રોડની રેલિંગ તોડી કાર દરિયામાં ખાબકીઃ ચાલકનો બચાવ

By GS TEAM
8 Oct 20252 mins read
કોસ્ટલ રોડની રેલિંગ તોડી કાર  દરિયામાં ખાબકીઃ ચાલકનો બચાવ

નશામાં ધૂત ડ્રાઈવરે બેફામ કાર દોડાવતાં અકસ્માત

વરલી પાસે પેટ્રોલિંગ કરતા મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓએ  તત્કાળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ

મુંબઈ - મુંબઇમાં કોસ્ટલ રોડ પર સોમવારે મોડી રાતે નશામાં ધૂત યુવાન ડ્રાઇવરે ઝડપી ગતિએ  વરલી નજીક કાર દોડાવતા અકસ્માત થયો હતો. કોસ્ટલ રોડની રેલિંગ તોડીને  કાર અરબી સમુદ્રમાં ખાબકી હતી. આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ડ્રાઇવરને બચાવી લીધો હતો. આમ યુવાન ડ્રાઇવરના ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ કાર પાણીમાં ડૂબી ગઇ હતી.

વરલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે આ દુર્ઘટના વખતે કાર ચાલક નશામાં હતો. પોલીસે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

કાર મહાલક્ષ્મીથી વરલી તરફ જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ૨૯ વર્ષીય ફરશોગર બતીવાલા કારમાં  એકલો હતો. તેણે પૂરઝડપે કાર દોડાવતા વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રેલિંગ તોડીને લગભગ ૩૦ ફૂટની ઉંચાઇથી નીચે દરિયામાં પડી ગઇ હતી.

આહીં હાજર મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓએ   અકસ્માત જોયો હતો. તેઓ કાર ચાલકને બચાવવા પાણીમાં કૂદી પડયા હતા.તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ડ્રાઇવરને ડૂબતી કારમાંથી બહાર કાઢ્યો હતો. તેમણે દોરડાથી ડ્રાઇવરને પાણીમાંથી બહાર લઇને આવ્યા હતા. તેને સામાન્ય ઇજાઓ થઇ હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

આ મામલે વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઇળરનું નિવેદન નોંધ્યું છે. અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. બાદમાં પાણીમાં ડૂબી ગયેલી કારને બહાર કાઢવા વધુ તપાસ આદરી હતી.