સોલાપુર - હૈદરાબાદ નેશનલ હાઈવે પર અકસ્માત
ક્રુઝર વાહનનું ટાયર ફાટવાને કારણે વાહનચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માતઃ 8 ઘાયલ
મુંબઈ - સોલાપુર- હૈદારાબાદ નેશનલ હાઈવે પર દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓના વાહનને અકસ્માત નડયો હતો. ક્રુઝર જીપનું ટાયર ફાટી જતાં ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા. તો સાતથી આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત સૌલાપુર- હૈદરાબાદ નેશનલ હાઈવે પર અંદુર ગામ નજીક થયો હતો. આમાં ૩૦ વર્ષીય પૂજા શિંદે, ૨૨ વર્ષીય સોનાલી કદમ, ૧૯ વર્ષીય સાક્ષી બડે સહિત પાંચનું મોત નીપજ્યું હતું.
ઘટના મુજબ, સોલાપુર- હૈદરાબાદ નેશનલ હાઈવે પર સોલાપુરના દક્ષિણ ઉલવે રહેવાસીઓ ક્રુઝર જીપમાં સવાર થઈને શનિવારે દેવદર્શન માટે નાલદુર્ગમાં એક ધાર્મિક સ્થળે જઈ રહ્યા હતા. તે સમયે ધારાશીવના આંદુર વિસ્તારમાંથી પસાર થતાં સમયે અચાનક ક્રુઝરનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા ક્રુઝર જીપ રસ્તાની બાજુમાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ બાદ ક્રુઝર જીપ પાર્ક કરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ ગઈ હતી. આ ટક્કરને કારણે ક્રુઝરને વ્યાપક નુકસાન થયું હતું.
જેથી આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત પાંચનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો સાતથી આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક લોકો, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી કરતા ક્રુઝર જીપને સીધી કરી હતી. આ બાદ તમામ ઘાયલોને કારમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આમાંથી ત્રણથી ચારની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માત સમયે ક્રુઝર જીપમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હોવાની આશંકા છે. તેથી આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


