Mumbai

90 વર્ષીય પિતાની ઘ્રૂજતા હાથે પુત્રને અંતિમ વિદાય આપતાં અનેક આંખો સજળ બની

By GS TEAM
18 Jun 20252 mins read
90 વર્ષીય પિતાની ઘ્રૂજતા હાથે પુત્રને અંતિમ વિદાય આપતાં અનેક આંખો સજળ બની

- કેપ્ટન સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર વખતે ભારેખમ વાતાવરણ

- મે ડેનો કોલ આપનારા સુમિત સભરવાલના અંતિમ સંસ્કારમાં પાયલોટ્સ, ક્રૂ મેમ્બર્સ, અગ્રણીઓ ઉમટયા

મુંબઇ : અમદાવાદમાં ગયા અઠવાડિયે ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના પાયલટ ઇન કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર આજે મુંબઇમાં કરવામાં આવ્યા હતા.  મોટી સંખ્યામાં સંબંધીઓ, સ્થાનિક રહેવાસીઓ, મિત્રો તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ઉમટી પડયા હતા. વિમાન દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી તેમના મૃતદેહ અમદાવાદથી મુંબઇ લાવવામાં આવ્યા હતા. સુમિત સભરવાલના ૯૦ વર્ષીય પિતા પુષ્કરાજે ઘ્રૂજતા હાથે અને સજળ આંખે પુત્રને અંતિમ વિદાય આપી ત્યારે ઉપસ્થિત અનેક લોકોની આંખો પણ ભીની થઈ હતી. 

૫૬ વર્ષીય સુમિત સંભરવાલના અંતિમ સંસ્કાર  પરિવારના સભ્યોની હાજરીમાં અંધેરી નજીક ચલાકા સ્થિત ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.  સભરવાલના અવશેષો સાથેના કાસ્કેટ એક ફ્લાઇટ દ્વારા વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા તેની પવઇ વિસ્તારમાં જલવાયુ વિહારના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો.આ સમયે વાતાવરણ ભારે ગમગીન અને ભારેખમ બની ગયું હતું. 

સભરવાલના ઘણા મિત્રો, સંબંધીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ શ્રદ્ધાંજલી આપવા માટે તેમના નિવાસસ્થાનની બહાર એકઠા  થયા હતા. ઉદ્યોગપતિ નિરંજન હિરાનંદાની અને સ્થાનિક ધારાસભ્ય દિલીપ લાંડે સભરવાલ સહિતના આગેવાનો  સુમિત સભરવાલના  નિવાસસ્થાને  અંજલિ આપવા પહોંચ્યા હતા. આ સમયે સ્વર્ગસ્થ પાયલટના  ૯૦ વર્ષીય વૃદ્ધ પિતા પુષ્કરાજ સભરવાલ ભાંગી પડયા હતા તેમણે હાથ જોડીને રડતી આંખે અને ગમગીન ચહેરે પુત્રને અંતિમ અંજલિ આપી હતી ત્યારે તેમના પરિવારજનોએ તેમને માંડ માંડ સાચવ્યા હતા. 

ત્યારબાદ પાયલટના પાર્થિવ દેહ લઇને શબવાહિની ચકાલા ખાતેના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ માટે રવાના થઇ હતી.   અંતિમવિધિમાં સભરવાલ સાથે કામ કરનારા એર ઈન્ડિયાના પાયલોટ્સ તથા ક્રૂ મેમ્બર્સ, પરિવારજનો, મિત્રો સહિતના લોકો જોડાયા હતા. સવારે ૧૧ વાગ્યાની આસપાસ અંતિમ વિધિ સંપન્ન થઈ હતી. 

૨૪૨ પ્રવાસી અને ક્રૂ મેમ્બરને લઇને લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઇ- ૧૭૧ ગત ૧૨ જૂનના રોજ  અમદાવાદમાં ક્રેશ થઇ ગઇ હતી. વિમાનમાં એક પ્રવાસી સિવાય દરેક વ્યક્તિના મોત થયા હતા. આ ઉપરાંત બહાર ૨૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો.