જૂનાગઢના પ્રાણીબાગને કારણે ગુજરાતના સિંહના બદલામાં ઝેબ્રા આપવાના હતા, પરંતુ ઝેબ્રા નથી
મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય (રાણીબાગ)માં છેલ્લા બે વર્ષથી સિંહ માટેના પાંજરા બનાવીને તૈયાર કરાયા છે, પરંતુ સત્તાવાળા ગિરનારથી સિંહની જોડી લાવી શક્યા નથી. કારણ કે રાણીબાગને આ સિંહના બદલામાં ઝેબ્રા આપવાના હતા, પરંતુ પ્રાણી અદલાબદલી કરી શકતા ન હોવાથી સિંહની પ્રતીક્ષા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે વર્ષ ૨૦૨૨માં બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ગિરનાર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી સિંહની જોડી લાવવામાં આવી હતી, પરંતુરાણીબાગના સત્તાવાળા લાવી શક્યા નથી.
રાણીબાગમાં ડિસેમ્બર ૨૦૨૫ સુધી જૂનાગઢ નજીક ગિરનારમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય સિંહો આપવાની સંમત થયું હતું. તેના બદલીમાં રાણીબાગ સત્તાવાળાને ઝેબ્રા આપવાના હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતમાં પ્રાણી સંગ્રહાલયોમાં સામાન્ય રીતે પ્રાણીઓના અદલા બદલી કરાય છે. ભાગ્યે જ પ્રાણીઓ ખરીદવામાં આવે છે.
ગિરનારના સકરબાગ પ્રાણીસંગ્રહાલય સિંહો આપવાની સામે ઝેબ્રા માગ્યા હતા, પરંતુ રાણીબાગમાં ઝેબ્રા નથી. ઇઝરાયલમાં સફારી પાર્ક (રામતગાન સફારી)માંથી ઝેબ્રાની એક જોડી આયાત કરવાનો પ્રયાસ વહીવટીતંત્રે કર્યો હતો, પરંતુ આ યોજના નિષ્ફળ ગઈ હતી. એમ કહીને સૂત્રોએ ઉમેર્યું હતું કે ઇઝરાયલથી પ્રાણીઓની આયાત કરવામાં ટેક્નિકલ અને આરોગ્ય પ્રમાણપત્રની સમસ્યાઓના કારણે સરકારી અધિકારીઓ વિદેશી વેપાર નિયમક દ્વારા દરખાસ્તને નકારી કાઢવામાં આવી હતી.
ઝેબ્રાનો સોદો તૂટી પડયા પછી રાણીબાગના અધિકારીઓએ બદલામાં અન્ય પ્રાણીઓ ઓફર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ હમ્બોલ્ટ પેંગ્વિન ઓફર કરાઈ હતી. પરંતુ આ પ્રાણીના સારસંભાળ માટે ગુજરાતના પ્રાણી સંગ્રહાલયે ખચકાટ અનુભવતા હતા. પેંગ્વિન એન્ક્લોઝર જાળવવા માટે જરૃરી ઊંચા ખર્ચ અને ટેક્નિકલ કુશળતાને કારણે પેંગ્વિન લેવા તેઓ તૈયાર થયા નહીં.
આ સિવાય રાણીબાગના અધિકારીઓએ તાજેતરમાં ગુજરાત સરકારને વિનંતી કરી છે કે બદલામાં પ્રાણી માગ્યા વગર સદ્ભાવના સંકેત તરીતે સિંહોનું દાન આપે. પરંતુ અહેવાલો મુજબ આ મંજૂરી હજી બાકી છે. જેના કારણે સિંહો રાણીબાગમાં લાવી શકાય નથી. એટલે કે સતત વિલંબ થઈ રહ્યો છે.


