Get The App

ઓટીટીના કારણે કેબલ ટીવી પર સંકટઃ ૫.૭૭ લાખ નોકરીઓ ગઈ

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
ઓટીટીના કારણે કેબલ ટીવી પર સંકટઃ ૫.૭૭ લાખ નોકરીઓ ગઈ 1 - image


સબસ્ક્રિપ્શન ભરીને ટીવી જોતા ચાર કરોડ  ગ્રાહકો ઘટયા

ડીટીએચ કંપનીઓ અને મોટા કેબલ ઓપરેટરોની આવકમાં ધરખમ ઘટાડોઃ લેવલ પ્લેયિંગ ફિલ્ડની માગણી 

મુંબઈ -  ભારતમાં કેબલ ટીવી ઉદ્યોગમાં છેલ્લાં સાત વર્ષમાં ભારે મોટો ઘટાડો જોવા મળ્યો છે.  આ ઉદ્યોગમાં  ૨૦૧૮ અને ૨૦૨૫ વચ્ચે અંદાજે ૫૭૭,૦૦૦ કુલ નોકરીઓ ઓછી થઈ છે. આ ઘટાડા માટે  ચેનલ ખર્ચમાં વધારો, ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મની વધતી સ્પર્ધા અને ડીડી ફ્રી ડિશ જેવી મફત, અનિયંત્રિત સેવાઓની વધતી જતી લોકપ્રિયતાને જવાબદાર  ગણાવવામાં આવી છે.  ૨૦૧૮થી ચાર ડાયરેક્ટ-ટુ-હોમ (ડીટીએચ) પ્લેયર્સ અને દસ મુખ્ય કેબલ ટીવી પ્રોવાઇડર્સની આવકમાં ૧૬ ટકાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે તેમના માજનમાં ૨૯ ટકાનો ઘટાડો થયો હોવાનું ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશન દ્વારા જારી થયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે. 

આ અભ્યાસમાં ૩૪ રાજ્યો અને કેન્દ્રશાસિત  પ્રદેશોના ૨૮,૧૮૧ સ્થાનિક કેબલ ઓપરેટરો (એલસીઓ) પાસેથી માહિતી લેવામાં આવી હતી. સર્વે ઓપરેટરોએ રોજગારમાં ૩૧ ટકાનો ઘટાડો  થયાનું  જણાવ્યું હતું. તેમને ત્યાંથી ૩૭,૮૩૫ નોકરીઆ ઘટી હતી.  આ બાબતનું રાષ્ટ્રીય સ્તરે આંકલન કરવામાં આવે તો વિવિધ ઓપરેશનલ સ્તરે ૧,૧૪,૦૦૦થી ૧,૯૫,૦૦૦ નોકરી ઓછી થઈ હોવાની જાણકારી મળે છે. વધુમાં ૨૦૧૮થી આશરે ૯૦૦ મલ્ટી સીસ્ટમ ઓપરેટરો (એમએસઓ) અને ૭૨ હજાર કેબલ ઓપરેટરોનો ધંધો  બંધ થવાના પરિણામે નોકરી ઘટવાની સંખ્યા ૫,૭૭,૦૦૦ જેટલી થઈ છે. 

જોકે, કેબલ ઉદ્યોગના સંચાલકોને હજુ પણ આશાવાદ સેવી રહ્યા છે.  રિપોર્ટમાં નોંધ મુજબ હજુ  પણ આઠથી નવ કરોડ ભારતીય પરિવારો ટીવી  સબસ્ક્રિપ્શન  ભરે છે . ડીડી ફ્રી ડિશના  દર્શકોને  પેમેન્ટ કરનારા ગ્રાહકોમાં પરિવર્તિત કરી શકાશે તેવી તેમને આશા છે. 

વધુમાં આ  રિપોર્ટમાં એવી ભલામણ કરાઈ છે કે ટીવી કન્ટેન્ટ વિતરણના ક્ષેત્રમાં તમામને સમાન તકો મળે તે માટે તમામ કન્ટેન્ટ વિતરણ પ્લેટફોર્મ પર સમાન નિયમો લાગુ  કરવામાં આવે, પે-ટીવી સેવા માટે પ્રદેશાનુસાર અલગ કિંમત નક્કી કરવામાં આવે તથા  તેમજ બે કરોડથી વધુ નિષ્ક્રિય સેટ ટોપ બોક્સીસને ફરી સક્રિય કરવાની માગણી કરવામાં આવી છે. રિપોર્ટમાં અન્ય પ્લેટફોર્મ પર પે-ટીવીના વિલંબિત અથવા ફ્રી પ્રસારણ પર પણ નિયંત્રણ મુકવાની ભલામણ કરાઈ છે તેમજ પાયરસીને ડામવા એકીકૃત ઉદ્યોગ પ્રતિસાદની જરૃર પર પણ ભાર મુકાયો છે.

Tags :