Mumbai

ફેક્ટરીઓમાં હવે 9 કલાકને બદલે દરરોજ 12 કલાક કામને કેબિનેટની મંજૂરી

By GS TEAM
5 Sep 20254 mins read
ફેક્ટરીઓમાં હવે 9 કલાકને બદલે દરરોજ 12 કલાક કામને કેબિનેટની મંજૂરી

ફેક્ટરી એકટ અને શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટમાં સુધારો કરાયો

રજાના માપદંડમાં પણ ફેરફાર કરાયોઃ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં ૯ કલાકથી વધારીને ૧૦ કલાક કરવામાં આવ્યા

મુંબઈ -    મહારાષ્ટ્રમાં કામના કલાકો બાબતે જે સુધારો અપેક્ષિત હતો તે નિર્ણય લેવાયો છે. રાજયની બુધવારે યોજાયેલી કેબિનેટમાં થયેલા મહત્વના નિર્ણયોમાં કારખાના કાયદા  અને શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ વર્ષ ૨૦૧૭નો પણ સમાવેશ થાય છે. આ નવા નિયમ પ્રમાણે હવે ફેક્ટરીમાં કામના કલાકો ૯ ને બદલે ૧૨ કરવામાં આવ્યા છે. જ્યારે ખનીજ ક્ષેત્રની સંસ્થાઓમાં ૯ કલાકથી વધારીને ૧૦ કલાક કરવામાં આવ્યા છે. આ નિયમથી કામદાર ઘટક અને ઉદ્યોગ બન્નેેને અસર થવાની શક્યતા છે

રાજ્ય મંત્રીમંડળની બુધવાર, ૩ સપ્ટેમ્બરના રોજ બેઠક મળી હતી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં સામાન્ય માણસના જીવન પર મોટી અસર કરી શકે તેવો બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કામના કલાકોમાં ફેરફારનો સમાવેશ થાય છે. ફેક્ટરીઓમાં કામદારો માટે કામ કરવાની સમય મર્યાદા ૯ કલાકથી વધારીને ૧૨ કલાક કરવાનો નિર્ણય લીધો હતો. દુકાનો અને સંસ્થાઓમાં કામના કલાકોની મર્યાદા ૯ કલાકથી વધારીને ૧૦ કલાક કરવામાં આવી છે. કલાકોની મર્યાદા વધારવામાં આવી હોવા છતાં, ફેક્ટરીઓમાં કામદારો અઠવાડિયામાં મહત્તમ ૪૮ કલાક જ કામ કરી શકે છે (એક દિવસની રજા સિવાય) આ મર્યાદા રહેશે. 

આનો અર્થ એ થયો કે સરેરાશ, કામદારો દિવસમાં ફક્ત આઠ કલાક જ કામ કરી શકે છે. પહેલાં, દૈનિક કામના કલાકોની મર્યાદા નવ કલાક હતી. હવે, જો કામદારો ૧૨ કલાક કામ કરે છે, તો તેમને ૮ કલાકથી વધુ કામ કરવા માટે ઓવરટાઇમ ચૂકવવો પડશે. ઉપરાંત, જો તેઓ અઠવાડિયામાં ૪૮ કલાકને બદલે ૫૬ કલાક કામ કરે છે, તો તેમને એક રિપ્લેસમેન્ટ રજા આપવી પડશે. જો તેઓ તેનાથી વધુ કામ કરે છે, તો તેમને વધારાની રિપ્લેસમેન્ટ રજા આપવી પડશે. જો કામદારો વધુ કલાકો સુધી કામ કરશે, તો સંબંધિત સરકારી વિભાગો પાસેથી પૂર્વ પરવાનગી મેળવવી પડશે.

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકો વર્તમાન ૯થી વધારીને૧૦ કલાક કરવા માટે કાયદામાં સુધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યમાં નવું રોકાણ લાવવા, રોજગાર સર્જન કરવાનો અને કામદારોના અધિકારોનું રક્ષણ કરવાનો છે,  તેથી, કામના કલાકો હવે ૯ કલાકથી વધારીને ૧૦ કલાક કરવામાં આવશે. આ સુધારો ૨૦ કે તેથી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓને લાગુ પડશે.જોકે સામાન્ય જનજીવન પર આની ઘણી અસર પડશે. ખાસ કરીને મુંબઈ,થાણે,પુણે જેવા શહેરોમાં રહેતા કામદારો માટે આ અઘરું બની રહેશે.

  કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓ અનુસાર, કેબિનેટે ફેક્ટરી એક્ટ, વર્ષ ૧૯૪૮ માં વિવિધ સુધારાઓને મંજૂરી આપી છે. રાજ્યમાં રોકાણ આકર્ષવા અને રોજગારની તકો વધારવા માટે કામના કલાકોમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા જેવા રાજ્યોએ આ ફેરફારો કર્યા છે. કામના સમયમાં વધારો થયો છે તો સાથે કામદારોના વેતનમાં પણ વધારો થશે, તેમ સૂત્રો જણાવે છે. તેમાં એવી કડક જોગવાઈ પણ છે કે ઓવરટાઇમ કામ માટે કામદારોની લેખિત સંમતિ લેવી જરૃરી રહેશે. ઓવરટાઇમ કામનો સમયગાળો ૧૨૫ કલાકથી વધારીને ૧૪૪કલાક કરવા વગેરે જેવા સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી.

આ અંગે માહિતી આપતાં મંત્રી આકાશ ફૂંડકરે જણાવ્યું હતું કે ઘણીવાર જ્યારે ફેક્ટરીઓને વધુ ઓર્ડર મળે છે અથવા જો તેઓ તેમનું ઉત્પાદન વધારવા માંગતા હોય, તો તેમને બહારથી નવા કામદારો બોલાવવા પડે છે, તે શિફ્ટ શેડયૂલ, તેથી તેમાં કેટલાક અવરોધો છે. તેથી, અન્ય રાજ્યો અને અન્ય દેશોની જેમ, અમે હવે કામદારોના કામ અને સમયમાં જે સુગમતા હોવી જોઈએ તે લાવી રહ્યા છીએ. આમાં, ફેક્ટરીઓ કાયદાની કલમ ૫૧ મુજબ, તેઓ નવ કલાકથી વધુ કામ કરી શકતા નથી. અમે આમાં સુગમતા લાવી છે. જો કોઈ ફેક્ટરીને લાગે કે તેનું ઉત્પાદન વધવું જોઈએ, તો તેઓ સરકારની પરવાનગી અને કામદારોની લેખિત સંમતિ લઈને કામદારોના કામના કલાકો વધારી શકે છે, પરંતુ આ માટે પણ કેટલીક મર્યાદાઓ છે. કામદારોની પરવાનગી જરૃરી રહેશે, સરકારની પરવાનગી જરૃરી રહેશે, કામના કલાકોની સાથે, અઠવાડિયામાં કામના કલાકો ૪૮ કલાકથી વધુ વધારવામાં આવશે નહીં અને વધારાના કામ માટે તેમને ચૂકવણી પણ કરવી પડશે. આમાં, અમે કામદારોના સંપૂર્ણ સુરક્ષા અધિકારોને ધ્યાનમાં રાખીને આ સુગમતા લાવી રહ્યા છીએ, મંત્રી આકાશ ફંડકરે માહિતી આપી છે.