બિઝનેસમેન સુશીલ કેડિયાની ઓફિસ પર હુમલો, મનસેના પાંચ સમર્થકો પકડાયા
મરાઠી વિવાદ રાજ ઠાકરેને પડકાર આપનારા
કેડિયાએ સોશિયલ મીડિયા પર કરેલી વિવાદાસ્પદ પોસ્ટ માટે માફી માગી
મુંબઈ - મરાઠી ન શીખવા અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ અને રાજ ઠાકરેને ક્યા કરના હૈ બોલ એવો પડકાર આપવા બદલ બિઝનેસમેન સુશીલ કેડિયાની મુંબઇની ઓફિસ પર હુમલો કરી તોડફોડ કરવ ામાં આવી હતી. જેને પગલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પાંચ સમર્થકોને પકડવામાં આવ્યા હતા. બીજી તરફ હુમલા બાદ કેડિયાએ ઠાકરેની માફી માંગી લીધી હતી.
સોશિયલ મીડિયા પર કરેલી વિવાદાસ્પદ પોસ્ટ માટે માફી માંગતા કેડિયાએ બાદમાં ઠાકરેની પ્રશંસા પણ કરી હતી. કેડિયાએ કહ્યું કે તેમણે દબાણ અને તણાવ હેઠળ ખોટી માનસિક સ્થિતિમાં પોસ્ટ અપલોડ કરી હતી. અને પોતાની ભૂલ સમજાયા પછી તેને સુધારવા માંગતા હતા. મરાઠી ન જાણતા લોકો સાથે થતી હિંસાથી માનસિક રીતે દબાણમાં આવીને મેં વધુ પડતી પ્રતિક્રિયા આપી હતી.
રાજ ઠાકરેની પડકાર આપતી પોસ્ટ બાદ વિફરેલા મનસે સમર્થકો આજે સેન્ચુરી બજારમાં આવેલી કેડિયાની ઓફિસ પાસે ધસી ગયા હતા. ઠાકરે અને મરાઠીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા મનસે સમર્થકોએ કેડિયાની ઓફિસના કાચના દરવાજાના પ્રવેશદ્વાર પર નાળિયેર ફેંક્યું હતું અને તોડફોડ કરી હતી. હુમલાના વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા.
વીડિયોમાં ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓ હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરતા જોઇ શકાતા હતા. જ્યારે ઓફિસના કર્મચારીઓ નારિયેળથી બચવા માટે શટર નીચે કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વરલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાના સંબંધમાં મનસેના પાંચ સમર્થકોને પકડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમને પૂછપરછ અને જરૃરી કાનૂની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.
બીજી તરફ કેડિયાની પોસ્ટ પર મનસે સમર્થકો તરપથી વિરોધ શરૃ થયા બાદ પોલીસે સેન્ચુરી બજારમાં આવેલી તેમની ઓફિસમાં સુરક્ષા પૂરી પાડી હતી. અગાઉ કેડિયાએ એક પોસ્ટ શેર કરી હતી. તે પોસ્ટમાં તેમણે રાજ ઠાકરેના મરાઠી ભાષાના આગ્રહની ટીકી કરી હતી. કેડિયાએ એવી ભૂમિકા લીધી હતી કે તેઓ મરાઠી નહી શીખે. રાજ ઠાકરે આની નોંધ લો કે હું છેલ્લા ૩૦ વર્ષથી મુંબઇમાં રહું છું. પણ મને મરાઠી બરાબર આવડતી નથી. આ સંદર્ભે મારી ગેરવર્તણૂંક જોઇને મે નક્કી કર્યું છે કે હું મરાઠી નહી શીખું. તમને શું કરવું છે બોલો. એમ કેડિયાએ કહ્યું હતું. હું પાંચ ભાષાઓ જાણું છું. હું મરાઠી પણ જાણું છું. પણ હું તે સારી રીતે બોલી શકતો નથી. લોકોને ધમકાવીને શું સાબિત કરવા માગો છે એમ તેમણે કહ્યું હતું.
કેડિયાના નિવેદનથી વિવાદ સર્જાયો હતો. મનસેના કાર્યકરોએ કેડિયા સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. ઓફિસ પર હુમલા બાદ કેડિયાએ આખરી માફી માંગી હતી. મારી ભૂલ માટે હું માફી માંગુ છું, એવો વીડિયો કેડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને હંમેશા રાજ ઠાકરે પ્રત્યે આદર છે. હું મારી ભૂલ સ્વીકારું છું. ઉપરાંત હવે મને અપેક્ષા છે કે વાતાવરણ શાંત થશે, હું તેમનો આભારી છું.
સુશીલ કેડિયાએ એમ પણ કહ્યું કે મેં જે પોસ્ટ કરી તે ખોટી માનસિક સ્થિતિમાં અને તણાવમાં હતી. મ ારા ટ્વીટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો વિવાદ ઉભો કરવા અને તેનો ફાયદો ઉઠાવવા માંગતા હતા.