દક્ષિણ મુંબઈમાં વેપાર ધંધા ઠપઃ વેપારીઓને કરોડોનુ ંનુકસાન
ખરીદી, ટ્રાન્સપોર્ટેશન બધું જ અટકી પડયું
જથ્થાબંધ બજારોનું કામ ખોરવાતાં હમાલી કરનારા શ્રમજીઓએ ૪ દિવસ રોજી ગુમાવી
મુંબઈ - દેશની આર્થિક રાજધાની મુંબઈના વેપાર-ધંધાના હાર્દ સમાન દક્ષિણ મુંબઈ વિસ્તારમાં મરાઠા આનમત આંદોલનકારીઓ હજારોની સંખ્યામાં ફરી વળતા ચાર દિવસથી વેપાર-ધંધા ઠપ્પ થઈ જવાને કારણે વેપારીઓએ કરોડો રૃપિયાનું નુકસાન ભોગવવાની નોબત આવી છે. એટલે વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) તરફથી સરકાર અને અદાલતને હસ્તક્ષેપ કરી આંદોલનનો ઉકેલ આણવાની અપીલ કરવામાં આવી છે.
દક્ષિણ મુંબઈમાં મસ્જિદ બંદર સહિતના વિસ્તારોમાં મોટી મોટી બજારો આવેલી છે. છત્રપતિ શિવાજી ટર્મિનસથી લઈને ગેટવે ઓફ ઈન્ડિયા અને નરિમાન પોઈન્ટ વિસ્તારમાં શેરબજાર, હજારો ઓફિસો આવેલી છે અને રાજ્યનું વિધાન-ભવન તેમજ સચિવાલય પણ છે. પરંતુ આઝાદ મેદાનમાં જ મનોજ જરાંગે પાટીલે અનશન આંદોલન કરતા હજારોની સંખ્યામાં આંદોલનકારીઓ ગામેગામથી મુંબઈમાં ઉમટી પડયા હોવાથી દક્ષિણ મુંબઈનો વાહન-વ્યવહાર ચાર દિવસથી ઠપ થઈ ગયો છે. એટલે વેપારીઓ ખરીદી કરવા આવી નથી શકતા એટલું જ નહીં ટ્રાન્સપોર્ટ દ્વારા બજારોમાંથી માલ મોકલવાની કામગીરી ખોરવાઈ ગઈ છે.
મસ્જિદ બંદરના જથ્થાબંધ બજારોમાં રોજિંદા વેપાર પર માઠી અસર થઈ છે. મહેનત મજૂરી કરી રોજેરોજ રોજી મેળવતા હમાલો અને માલવહન કરતા હાથગાડીવાળા માટે ચાર દિવસથી કપરા સાબીત થયા છે. આને કારણે આંદોલનનો વહેલી તકે અંત આવે એ માટેના પગલાં લેવાની સરકારને અપીલ કરવામાં આવી છે.