જાતીય શોષણનો કેસ બહાર આવ્યા બાદ તંત્ર દોડયું
કોઈ અનિચ્છનિય ઘટના ટાળવા માટે જંગી પોલીસ ખડકી દેવાઈ
મુંબઈ - અમરાવતીમાં અચલપુર મ્યુનિસિપલ કાઉન્સિલે સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવા અને તેમના અ¹લીલ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા કરવાના કેસના આરોપી અયાઝ અહેમદના ઘર પર આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આજે બપોરે અચલપુર મ્યુનિસિપલ કાઉન્સિલની એક ટીમ આજે બપોરે બુલડોઝર લઈને આરોપીના ઘરે પહોંચી હતી. ઘરની બાજુમાં લગાવેલી લોખંડની સીડી જેસીબીનો ઉપયોગ કરીને તોડી નાખવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાયદે બંધાયેલા છતના કેટલાક ભાગને તોડી પડાયો હતો. આ કાર્યવાહી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને નાગરિકોની મોટી ભીડ પણ એકઠી થઈ હતી. એવું કહેવાય છે કે બુલડોઝરની મદદથી કાર્યવાહી કરવાનો આ અચલપુરમાં પહેલો બનાવ છે.
અચલપુર મ્યુનિસિપલ કાઉન્સિલે ઘર પરના અતિક્રમણની તપાસ કર્યા બાદ કેટલાક ભાગોમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ એવું જાણવા મળ્યું હતું કે મ્યુનિસિપલ કાઉન્સિલે આરોપીના પરિવારને અતિક્રમણ અંગે નોટિસ ફટકારી છે. તે મુજબ આજે બુલડોઝરનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.


