માગાઠાણે સ્ટેશને ભૂસ્ખલન કેસમાં બિલ્ડરના કોન્ટ્રાક્ટર, એન્જિનિયરની ધરપકડ
મેટ્રો વ્યવહારમાં કોઈ જોખમ નહીં હોવાનું ૩ એજન્સીઓનું સંયુક્ત તારણ
સ્ટેશનની લગોલગ ચાલતી ચાંડક બિલ્ડરની સાઈટના કોન્ટ્રાક્ટર અને સાઇટ એન્જિનિયરે પાઇલિંગના કામ દરમિયાન સાવચેતીના પગલાં ન લેતાં દુર્ઘટના
મુંબઈ : મુંબઈ પોલીસે ઉપનગરીય બોરીવલીના માગાઠાણે ખાતે મેટ્રો રેલ સ્ટેશન નજીક માટી ધસી પડવાની ઘટનાના સંબંધમાં એક ખાનગી બાંધકામ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને સાઈટ એન્જિનિયરની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ મામલે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીઓ દ્વારા કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
શહેરમાં ભારે વરસાદને પગલે મેટ્રો લાઇન-૭ પર માગાઠાણે સ્ટેશનની બાજુમાં ખોદકામની જગ્યા પર માટી ધસી પડી હતી. ખોદકામનું કામ ખાનગી બિલ્ડર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
મેટ્રો સ્ટેશનના દહિસર-એન્ડ એક્ઝિટ ગેટની બાજુમાં માટી ધસી પડવાના ફોટોગ્રાફ્સ અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.જેના લીધે અંધેરી પૂર્વ અને દહિસર પૂર્વ વચ્ચેની મેટ્રો રેલમાં લોકોની સલામતી પર સવાલ ઉભા થયા છે.
એમએમઆરડીએની ફરિયાદના આધારે, ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ ૩૩૬, ૩૪ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી,એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી ખાનગી કોન્ટ્રાક્ટર અને સાઇટ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા.
ફરિયાદ મુજબ કોન્ટ્રાક્ટર અને સાઇટ એન્જિનિયરે પાઇલિંગના કામ દરમિયાન સાવચેતીના પગલાં લીધા ન હતા, એમ તેમણે જણાવ્યું હતું.
મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ), એમએમઆરડીએ અને પાલિકાએ બુધવારે ઘટનાસ્થળે એક નિરીક્ષણ હાથ ધર્યું હતું.દરમિયાન તેમણે નોંધ્યું હતું કે માગાઠાણે સ્ટેશનની એન્ટ્રી/એક્ઝિટ નજીક સ્ટોર્મ વોટર ડ્રેઇન ચેમ્બરની બાજુમાં બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ઊંડા ખોદકામને કારણે આસપાસની માટી તૂટીને ચેમ્બરની દિવાલને નુકસાન થયું હતું.
એમએમએમઓસીએલએ બુધવારે જણાવ્યું હતું કે આ ઘટનાથી મેટ્રો સેવાઓની સામાન્ય કામગીરીને અસર થઈ નથી.
મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મેટ્રો લાઇન-૭ પરના માગાઠાણે સ્ટેશનના દહિસર બાજુના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોને અસ્થાયી રૃપે બંધ કરવામાં આવ્યા હતા.
એમએમઆરડીએના કમિશનર ડા. સંજય મુખર્જી જેઓ એમએમએમઓસીએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે,તેમણે જણાવ્યું હતું કે ત્રણ એજન્સીઓના સંયુક્ત નિરીક્ષણ પછી તેઓ નિષ્કર્ષ પર આવ્યા છે કે મેટ્રો સેવાઓના સંચાલનમાં કોઈ જોખમ નથી.