280 કરોડના બેન્ક ફ્રોડમાં સીબીઆઈ દ્વારા બિલ્ડર હરીશ મહેતાની ધરપકડ
મહેતા, ભરત શાહ તથા અન્યોએ સાંઠગાંઠ રચ્યાનો આરોપ
સીબીઆઈની આર્થિક ગુના શાખાએ એસબીઆઈની ફરિયાદને આધારે 2016માં છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો
મુંબઈ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ ૨૮૦ કરોડ રૃપિયાના બેન્ક ફ્રોડ કેસમાં મુંબઈના અગ્રણી બિલ્ડર હરિશ મહેતાની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતાનુસાર થાણેની એક અદાલત તેમની જામીન અરજી પર સુનાવણી કરવાની હતી. હાલ તેઓ અદાલતી કસ્ટડીમાં છે. ૨૪ મેના કોર્ટે સીબીઆઈને મહેતાની કસ્ટડી આપવાનો ઈન્કાર કર્યો હતો.
સીબીઆઈની આર્થિક ગુના શાખા (ઈઓડબલ્યુ) એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબી)આઈની ફરિયાદને આધારે ૨૦૧૬માં બેન્ક ફ્રોડનો એક કેસ નોધ્યો હતો. ૨૦૧૮માં સીબીઆઈએ રાજપૂત રિટેલ્સના પ્રમોટરો વિજય ગુપ્તા અને અજય ગુપ્તા, એસબીઆઈના અધિકારી કદમ અને અન્ય બે વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
લગભગ પાંચ વર્ષ પહેલા સીબીઆઈએ રૃબી મિલ્સના એમડી ભરત શાહની પણ ધરપકડ કરી હતી. એ કે ત્યારબાદ તેમને જામીન મળી ગયા હતા. સીબીઆઈએ તેની તપાસ શરૃ રાખી હતી અને આ મામલે મહેતા અને તેમની કંપનીઓની ભૂમિકાનો ખુલાસો થયો હતો. સીબીઆઈના આરોપ અનુસાર મહેતા, ભરત શાહ, વિજય ગુપ્તા અને અજય ગુપ્તાની મિલીભગતને લીધે એસબીઆઈને ૨૮૦ કરોડનું નુકસાન થયું હતું. મહેતાને આમાંથી ૫૦ કરોડ રૃપિયા મળ્યા હોવાનો આરોપ છે. જો કે મહેતાએ આ રકમ કથિત રૃપે રુબી મિલ્ક પાસેથી લોન રૃપે લીધા હતા. જેને ઉપયોગ તેમને અંગત કામ માટે કર્યો અને આ રકમનું લોન સ્વરૃપે અન્ય કંપનીમાં રોકાણ કર્યું હતું.
એવો આરોપ કરવામાં આવ્યો છે કે રાજપૂત રિટેલ્સના ગુપ્તા બંધુઓએ બનાવટી દસ્તાવેજોની મદદથી કથિત રીતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરએરએલ અને તેના ડાયરેક્ટરોએ અજ્ઞાાત સરકારી કર્મચારીઓની મદદથી ષડયંત્ર રચ્યું અને બેન્ક પાસેથી ત્રણવાર લોન મેળવી હતી. આરોપીઓએ કથિત રીતે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બેન્ક સાથે ૨૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડી કરી હતી.