બાંધકામ પૂર્ણ ન કર્યું, રકમ ડાઈવર્ટ કરી દીધીઃ એક જ ફલેટ અનેકવાર વેચ્યા
સાયન કોલીવાડાના પ્રોજેક્ટમાં છેતરપિંડી માટે અગાઉ પૂનમ દોશીની અરજી ફગાવાયા બાદ હવે આશિત દોશીને પણ આગોતરા જામીનનો ઈન્કાર
એડિશનલ સેશન્સ જજ એનજી શુક્લાએ ગયા અઠવાડિયે મેસર્સ ઝિયસ હાઉસિંગ એન્ડ કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર પૂનમ આશિત દોશીના જામીન ફગાવી દીધા હતા.ત્યારબાદ હવે પતિ આશિત દોશીના જામીન ફગાવવમાં આવ્યા છે.
આ કેસ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી યોજના હેઠળ હાથ ધરવામાં આવેલા સાયન કોલીવાડામાં ઝિયસ રેસીડેન્સી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસ ભંગના આરોપો સાથે સંબંધિત છે. દોશીએ ધરપકડથી રક્ષણ મેળવવા માટે આગોતરા જામીન અરજી કરી હતી.
આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આથક ગુના શાખાએ દોશી અને તેમના પતિ આશિત દોશી, જે કંપનીના ડિરેક્ટર પણ છે પર સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) પ્રોજેક્ટના વેચાણમાં ઘર ખરીદનારાઓ પાસેથી એકત્રિત કરાયેલા કરોડો રૂપિયા ડાયવર્ટ કરવાનો આરોપ મૂક્યો છે.
અનેક ફ્લેટ વેચીને રૂ.એક હજાર કરોડથી વધુ રકમ એકઠી કરવા છતાં તેઓ બાંધકામ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા.તેમજ ખરીદદારોના પૈસા અન્ય કંપનીઓ અને વ્યક્તિગત ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
અગાઉ જાહેર કરાયેલા વિગતવાર આદેશમાં કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે પૂનમ દોશીએ વ્યવહારોમાં સક્રિય અને સીધી ભૂમિકા ભજવી હતી.રેકોર્ડ પર મૂકવામાં આવેલા કરારોની નકલો દર્શાવે છે કે અરજદાર કંપનીના એક સક્રિય ડિરેક્ટર છે અને અધિકૃત સહીકર્તા અને પ્રમોટર તરીકે ફ્લેટના વેચાણ માટે વિવિધ કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
આદેશમાં નોંધવામાં આવ્યું હતું કે દોશીએ વ્યક્તિગતરીતે ૧૭ વેચાણ કરારો અને બે એલોટમેન્ટ લેટર પર હસ્તાક્ષર કર્યા હતા, અને દંપતીએ ચોક્કસ ફ્લેટ બે વાર અલગ અલગ ખરીદદારોને વેચી દીધા હતા.ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે ઘર ખરીદનારાઓ પાસેથી મળેલા પૈસાને પ્રદીપ ટ્રેડિંગ કંપની અને અન્ય કંપનીઓમાં ડાયવર્ટ આવ્યા હતા, અને તેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે પણ કરવામાં આવ્યો હતો,જે દુરુપયોગ સમાન છે.
દોશી નોમિનલ અથવા બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોવાના બચાવ પક્ષના દાવાને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે રેકોર્ડ પરની સામગ્રી દર્શાવે છે કે તે પ્રોજેક્ટની શરૂઆતથી જ કંપનીના મુખ્ય સંચાલનનો ભાગ રહી છે. ન્યાયાધીશે કહ્યું કે,અરજદાર ફક્ત બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નથી પરંતુ કંપનીના એક સક્રિય ડિરેક્ટર છે.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે હાજર રહેવા માટે નોટિસ જારી કરવામાં આવી હોવા છતાં દોશીએ તપાસમાં સહકાર આપ્યો ન હતો અને અવલોકન કર્યું હતું કે તેના વર્તનથી તે ધરપકડથી રક્ષણ મેળવી શકતી નથી. અગાઉ ઓગસ્ટ ૨૦૨૪માં કોર્ટે આશિત દોશીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.


