બીડમાં 18 વર્ષના તરુણ પર ઘાતકી હુમલો : આજે બંધનું એલાન
બીડમાં સંતોષ દેશમુખની હત્યા જેવી જ ફરી તંગદિલી
20થી વધુ સામે ગુનો દાખલઃ સાતની ધરપકડઃ મકોકા હેઠળ કાર્યવાહીના આદેશ
અહીં આ ઘટનાના વીડિયા ે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં ફરવા માંડતા વાતાવરણ એ હદ સુધી ડહોળાઈ ગયું છે કે અમુક સંગઠનોએ આજે બીડ બંધની હાકલ કરી છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે ૨૦ જણ સામે ગુનો નોંધી સાતથી વધુ આરોપીઓને પકડી પાડયા હતા.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર શિવરાજ દિવટે (૧૮) નામનો તરુણ શુક્રવારે બપોરે પરળીના જલાલપુર ખાતે એક મંદિરમાં મહેમાનો સાથે પંગતમાં જમવા બેઠો હતો. ભોજન પતાવ્યા બાદ જ્યારે તે થર્મલ રોડના લિંબૂટા ગામ પાસેથી મિત્રો સાથે બાઈક પરથી જઈ રહ્યો હતો ત્યારે ચાર બાઈક પર બેસી અમુક યુવકો ત્યાં આવ્યા હતા અને તેની બાઈક અટકાવી તેને ટોપકવાડી પાસેના એક નિર્જન વિસ્તારમાં લઈ ગયા હતા અને પટ્ટા, લોખંડના રોડ, લાઠી અને ગડદાપાટુથી ઢોર માર માર્યો હતો. આ લોકોએ તેની મારપીટ કરી તેનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો.
દિવટેનની મારપીટનો વીડિયો મોટાપાયે વાયરલ થતાં વાતાવરણ ડહોળાયું હતું. આ વાતની નોંધ લઈ બીડના પાલક પ્રધાન અજિત પવારે બીડના એસ.પી. કાંવતને કોલ કરી આ બાબતને ગંભીરતાથી લઈ મકોકા હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આ પહેલાં બીડના પરળી સ્થિત સંભાજીનગર પોલીસ મથકમાં શનિવારે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કુલ નવ આરોપીઓ સહિત અન્ય ૧૧ અજાણ્યા આરોપીઓ મળી કુલ ૨૦ જણ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સાત જણની ધરપકડ કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો રાજકિય સ્તરે પડયા હતા.