ટ્રેન વિસ્ફોટોમાં 12ને નિર્દોષ જાહેર કરતા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર
- ચુકાદાના બીજા જ દિવસે રાજ્ય સરકાર સુપ્રીમમાં પહોંચી
- આરોપીઓ જેલ બહાર આવી રહ્યા હોવાથી વિનંતી બાદ ગુરુવારે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ
મુંબઈ : મુંબઈ ટ્રેન વિસ્ફોટો કેસના તમામ ૧૨ આરોપીને નિર્દોષ જાહેર કરતા બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજી અંગે આગામી ગુરુવાર તા. ૨૪મીના રોજ સુનાવણી યોજવા સંમતિ આપી છે.
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લિવ પિટિશન (એસએલપી) કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ સમક્ષ આ એસએલપી અંગે તાકીદની સુનાવણી માગી હતી. આ ગંભીર બાબત છે. એસએલપી તૈયાર છે. મહેરબાની કરીને આવતીકાલ પર સુનાવણી રાખો. તાકીદ છે, એમ એસજીએ જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન તથા જસ્ટિસ એન.વી. અંજારિયાની એક બેન્ચે તાકીદે સુનાવણી હાથ ધરવાની રાજ્ય સરકારની વિનંતીને ધ્યાને લીધી હતી અને તા. ૨૪મી જુલાઈએ આ અરજી હાથ ધરવા સંમતિ આપી હતી.
સીજેઆઈએ કહ્યું હતું કે અમે વાંચ્યુ છે કે આઠ આરોપીને મુક્ત કરી દેવાયા છે. ટ્રેન વિસ્ફોટો કેસમાં મકોકા કોર્ટે ઓક્ટોબર ૨૦૧૫ના રોજ પાંચ આરોપીને મૃત્યુદંડ અને સાત આરોપીને જન્મટીપની સજા સંભળાવી હતી. કસૂરવારોએ સજા સામે અને એટીએસે મૃત્યુદંડની બહાલી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો ચુકાદો ગઈકાલે આપ્યો હતો . આ ચુકાદો આપતાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ નક્કર અને વિશ્વસનીય પુરાવા રજૂ કરી શક્યો નથી અને આરોપીઓએ ગુનો આચર્યો હોવાનું કહેવું મુશ્કેલ છે.
૨૦૦૬ની ૧૧મી જુલાઈએ મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા વિસ્ફોટોમાં ૧૮૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સેંકડોને ઈજા થઈ હતી. મહારાષ્ટ્ર એટીએસએ પ્રતિબંધિત સંસ્થા સીમીએ પાકિસ્તાનની લશ્કર એ તોઈબા સાથે મળીને આ વિસ્ફોટોને અંજામ આપ્યો હોવાનો દાવો કરતી ચાર્જશીટ રજૂ કરી હતી. પરંતુ, હાઈકોર્ટે આ તપાસને ફગાવી દેતાતં એજન્સી માટે નીચાજોણું થયું છે.
આ ચુકાદાને પગલે આ વિસ્ફોટોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તથા ઘાયલો સહિત સમગ્ર દેશના લોકોએ ભારે આંચકો અનુભવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ગઈકાલે જ જાહેરાત કરી હતી કે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. બીજી તરફ નાગપુર, અમરાવતી સહિતની જેલોમાં બંધ આ કેસમાં હવે નિદોષ જાહેર થયેલા આરોપીઓનેગઈકાલે મોડી સાંજે જ જેલમાંથી છોડી દેવાયા હતા.